News of Tuesday, 24th November 2026
પરંપરાગત ભરતકામમાંથી આત્મનિર્ભરતાની કેડી કંડારતી કચ્છની આહીર મહિલાઓ
ગામડાની પરંપરાગત હસ્તકળાને દેશ-વિદેશના બજારોમાં સ્થાન; જીઆઈ ટેગથી કચ્છની આહીર ભરતકામની કળાને મળી વૈશ્વિક ઓળખ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૪ : કચ્છની ધરતી તેની આગવી સંસ્કૃતિ, પરંપરા અને કલા વારસાને કારણે વિશ્વભરમાં જાણીતી છે. અહીંની પરંપરાગત હસ્તકળાઓમાં આહીર ભરતકામનું વિશેષ સ્થાન છે. પેઢી દર પેઢી મહિલાઓ દ્વારા જાળવવામાં આવતી આ કળા આજે માત્ર સાંસ્કૃતિક ઓળખ પૂરતી સીમિત નથી રહી, પરંતુ ગ્રામ્ય મહિલાઓ માટે આર્થિક સ્વાવલંબન અને આત્મનિર્ભરતાનું સશક્ત માધ્યમ બની છે. આહીર ભરતકામને જીઆઈ ટેગ મળતાં તેની આગવી ઓળખને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી છે. સરકારી મેળાઓ, પ્રદર્શનો અને બજાર સાથે જોડાવાની તકોને કારણે કચ્છની આ પરંપરાગત કળા દેશ-વિદેશ સુધી પહોંચી રહી છે.
ભુજ તાલુકાના અટલનગર ગામનાં રાધાબેન આહીર આ કળાને જીવંત રાખવાની સાથે અન્ય મહિલાઓને પણ રોજગારીની તક પૂરી પાડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યાં છે. ભરતકામની પરંપરા અંગે વાત કરતાં રાધાબેને જણાવ્યું હતું કે, “અમારા સમાજમાં ભરતકામની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. દીકરી લગભગ ૧૦ વર્ષની થાય ત્યારથી જ તેને ભરતકામ શીખવવાની શરૂઆત કરવામાં આવે છે. નાનપણથી શીખેલી આ કળા મહિલાઓ જીવનભર જાળવી રાખે છે. અમારા માટે ભરતકામ માત્ર કળા નથી, પરંતુ અમારી સંસ્કૃતિ, પરંપરા અને ઓળખનો અભિન્ન હિસ્સો છે.”
આહીર ભરતકામની વિશેષતા તેની બારીક કારીગરી, આકર્ષક રંગો અને આગવી ભાતમાં રહેલી છે. આ કળા દ્વારા મહિલાઓ કાંચળી, ઘાઘરા, બ્લાઉઝ, પડદા, ઘરેણાં અને શણગારની વસ્તુઓ ઉપરાંત પર્સ, થેલી સહિતની વિવિધ ઉપયોગી ચીજવસ્તુઓ તૈયાર કરે છે. દરેક વસ્તુમાં મહિલાઓની સર્જનાત્મકતા, મહેનત અને કારીગરીની ઝલક જોવા મળે છે.
ભરતકામની વિવિધ ડિઝાઇન અને તેની વિશેષતા અંગે રાધાબેને જણાવ્યું હતું કે, “અમારા ભરતકામમાં દરેક ડિઝાઇન અને ભાતનું અલગ નામ અને મહત્ત્વ છે. અમે પરંપરાગત પોશાકથી લઈને ઘરની સજાવટની વસ્તુઓ તેમજ આજના સમયને અનુરૂપ પર્સ અને થેલી જેવી અનેક ચીજવસ્તુઓ બનાવીએ છીએ. કેટલીક વસ્તુઓ તૈયાર કરવામાં મહિનાઓ લાગે છે, જ્યારે ભારે ભરતકામવાળી એક વસ્તુ તૈયાર કરતાં લગભગ એક વર્ષ જેટલો સમય પણ લાગી શકે છે. આ કામમાં ધીરજ, મહેનત અને કારીગરીની જરૂર પડે છે.”
ગામમાં મહિલાઓની આર્થિક ભાગીદારી અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ગામની અંદાજે ૪૦૦ મહિલાઓમાંથી લગભગ ૩૦૦ મહિલાઓ આ કળા સાથે સંકળાયેલી છે. મહિલાઓ પોતાના પરિવાર માટે પરંપરાગત વસ્ત્રો તૈયાર કરવાની સાથે બજારમાં વેચાણ માટે પણ વિવિધ વસ્તુઓ બનાવે છે.” આમ, પરંપરાગત કળા આજે ગામની અનેક મહિલાઓ માટે રોજગારીનું માધ્યમ બની રહી છે.
સરકાર તરફથી મળતી તકો અંગે આભાર વ્યક્ત કરતાં રાધાબેન આહીરે જણાવ્યું હતું કે, “અમારા જેવા ગામડાંમાં રહેતી બહેનો માટે ભરતકામ રોજગારીનું મોટું માધ્યમ બન્યું છે. અમારી પાસે કળા અને આવડત છે, જરૂર છે માત્ર યોગ્ય તક અને બજારની. સરકારી મેળાઓ અને પ્રદર્શનોના કારણે અમને અમારી વસ્તુઓ લોકો સુધી પહોંચાડવાની તક મળી છે. આજે અમે કચ્છથી ગુજરાત અને ગુજરાતથી વિદેશ સુધી અમારી બનાવેલી વસ્તુઓ પહોંચાડી શકીએ છીએ. સરકારશ્રીએ આવી તકો પૂરી પાડી અને અમારી કળાને પ્રોત્સાહન આપ્યું તે બદલ અમે આભારી છીએ.”
આમ, અટલનગરની રાધાબેન આહીર સહિતની અનેક મહિલાઓ પરંપરાગત ભરતકામની કળાને નવી ઊંચાઈએ પહોંચાડવાની સાથે પોતાની મહેનત અને કારીગરીથી આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહી છે. કચ્છની આ પરંપરા આજે ગ્રામ્ય મહિલા સશક્તિકરણ અને સાંસ્કૃતિક વારસાના જતનનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
