<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

વેરાવળ સોમનાથમાં બકાલુ લઇ ઘરે આવી રહેલા કાનજીભાઇનું બાઇકની ઠોકરે ચડી જવાથી મોત

૭૦ વર્ષિય વૃધ્‍ધે રાજકોટમાં દમ તોડયોઃ પરમાર પરિવારમાં ગમગીની

 

રાજકોટ તા. ૨૭: વેરાવળ સોમનાથમાં એક વૃધ્‍ધ ઘરેથી ચાલીને શાકભાજી લેવા ગયા બાદ પરત ઘરે જઇ રહ્યા હતાં ત્‍યારે રસ્‍તામાં બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. અહિ આજે મૃત્‍યુ થતાં  પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ વેરાવળ સોમનાથમાં હુડકો સોસાયટી ગાત્રાળ ડેરી પાસે રહેતાં કાનજીભાઇ રામજીભાઇ પરમાર-વાળંદ (ઉ.વ.૭૦) નામના વૃધ્‍ધ ગઇકાલે બપોરે બારેક વાગ્‍યે વેરાવળમાં મોચીનગર પ્રકાશ બેકરી પાસે ચાલીને ઘર તરફ જતાં હતાં ત્‍યારે એક બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થઇ હતી.

અકસ્‍માત સર્જી ચાલક બાઇક મુકીને ભાગી ગયો હતો. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. સગાને જાણ થતાં તેઓ પણ પહોંચ્‍યા હતાં. કાનજીભાઇને વેરાવળ હોસ્‍પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે સવારે દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વેરાવળ પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર કાનજીભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે દિકરા અને ત્રણ દિકરી છે. પોતે નિવૃત જીવન જીવતાં હતાં. સગાના કહેવા મુજબ કાનજીભાઇ ઘરેથી શાક-બકાલુ લેવા માટે બજારમાં ગયા હતાં. ત્‍યાંથી પગપાળા ઘરે આવતાં હતાં ત્‍યારે એક બાઇકની ઠોકરે આવી ગયા હતાં. અકસ્‍માત બાદ ચાલક પોતાનું બાઇક મુકીને નીકળી ગયો હોઇ બાઇકના નંબરને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. વડીલના મૃત્‍યુથી પરમાર પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:00 AM IST)