News of Monday, 26th October 2026
પોરબંદરમાં શરદ ઋતુમાં જ આવી કેસર કેરી
પોરબંદર માર્કેટિગ યાર્ડમાં કેસર કેરીના ચાર બોક્સની ઊંચા ભાવે હરાજી : ૧૦ કિલોના એક બોક્સના કિલો દીઠ રૂ. ૧૪૫૦ લેખે પૂરા રૂ.૧૪,૫૦૦ ઉપજ્યાઃ બે બોક્સ યુકે, એક બોક્સ રાજકોટ તથા એક બોક્સ પોરબંદરમાં જ વેચાયું

અમદાવાદ તા.૨૬: પોરબંદર માર્કેટિગ યાર્ડમાં કુદરતનો અનોખો ચમત્કાર જોવા મળ્યો છે. શરદ ઋતુમાં ભાગ્યે જ જોવા મળતી કેસર કેરીની આવક નોંધાઈ છે. આ ઘટનાને માર્કેટિગ યાર્ડના લોકો મિરેકલ ગણાવી રહ્યા છે. સમગ્ર દેશમાં શરદ પૂનમના બીજા દિવસે આ ઋતુમાં કેરી આવવાનો પ્રથમ બનાવ માનવામાં આવી રહ્યો છે. બરડા પંથકમાંથી હરાજી માટે આવેલી આ કેસર કેરીના બોક્સ ઊંચા ભાવે વેચાયા હતા અને લોકોમાં ભારે આヘર્ય ફેલાયું છે.
બરડા પંથકના રાણાવાવ તેમજ હનુમાનગઢ ગામેથી પોરબંદર માર્કેટિગ યાર્ડ સ્થિત સુદામા ફ્રૂટ કંપનીમાં કેસર કેરીના કુલ ૪ બોક્સ હરાજી માટે લાવવામાં આવ્યા હતા. સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં પાકતી કેસર કેરી શરદ પૂનમ અને નવરાત્રિ બાદ માર્કેટિગ યાર્ડમાં પહોંચતા વેપારીઓ અને ગ્રાહકોમાં મોટું આヘર્ય જોવા મળ્યું હતું.
સુદામા ફ્રૂટ કંપની ખાતે શ્રીફળ વધેરી અને મોઢું મીઠું કરાવીને આ અનોખી કેરીની વિધિવત હરાજીની શરૂઆત કરવામાં આવી હતી.
હરાજી દરમિયાન કેરીના બોક્સના ઐતિહાસિક ભાવ બોલાયા હતા. જેમાં ૧૦ કિલોના એક બોક્સના કિલો દીઠ રૂ. ૧૪૫૦ લેખે પૂરા રૂ.૧૪,૫૦૦ ઉપજ્યા હતા. જ્યારે અન્ય બે બોક્સ રૂ. ૧૪૨૫ પ્રતિ કિલોના ભાવે કુલ રૂ.૨૮,૫૦૦માં વેચાયા હતા.
આ ઉપરાંત મધ્યમ સાઈઝ ધરાવતા એક બોક્સના કિલો દીઠ રૂ.૧૦૫૦ લેખે રૂ. ૧૦,૫૦૦ ઉપજ્યા હતા. આમ ચારેય બોક્સની ઊંચા ભાવે હરાજી થઈ હતી અને તેમાંથી બે બોક્સ યુકે એક બોક્સ રાજકોટ તથા એક બોક્સ પોરબંદરમાં જ વેચાયું હતું.
ચોમાસા દરમિયાન વરસાદની ખેંચ અને ત્યારબાદ અસહ્ય ગરમી પડવાને કારણે આંબામાં સાતમા-આઠમા મહિનામાં અકાળે ફૂટ આવી ગઈ હતી. કુદરતી અનુકૂળતાને કારણે આ કેરીઓ તૈયાર થઈ ગઈ અને બજાર સુધી પહોંચી શકી. સુદામા ફ્રૂટ કંપનીના નીતિન દાસાણીએ પોતાની આગવી શૈલીમાં બોલી લગાવી હરાજી સંપન્ન કરાવી હતી અને આ ઘટનાને કુદરતનો મોટો ચમત્કાર ગણાવ્યો હતો.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
