<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

કેશોદના ભાટ સીમરોલી ગામે પરણિત મહિલા સાથે દુષ્કર્મ :પુત્રને જાનથી મારી નાખવા ધમકી આપી લાંબા સમય સુધી શોષણ કર્યું

મહિલાની ફરિયાદના આધારે કેશોદ પોલીસે ભાટ સીમરોલી ગામના ભરતભાઈ રામ વિરુદ્ધ દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

કેશોદના ભાટ સીમરોલી ગામમાં એક પરણિત મહિલાની લાચારીનો ગેરલાભ ઉઠાવીને આચરવામાં આવેલા દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામના જ એક શખ્સે મહિલાના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપીને લાંબા સમય સુધી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

મહિલા લાંબા સમયથી આ શખ્સના ત્રાસ અને ધમકીઓ હેઠળ દબાયેલી હતી, પરંતુ જ્યારે પરિસ્થિતિ અસહ્ય બની, ત્યારે તેણે હિંમત કરીને પોતાના પરિવારજનોને સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ પીડિત મહિલાએ કેશોદ પોલીસ સ્ટેશન પહોંચીને પોલીસ સબ ઈન્સપેક્ટર જે.આર. વાઝા સમક્ષ પોતાની આપવીતી વર્ણવી હતી.

મહિલાની ફરિયાદના આધારે કેશોદ પોલીસે ભાટ સીમરોલી ગામના ભરતભાઈ સરમણભાઈ રામ વિરુદ્ધ દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પીએસઆઈ જે.આર. વાઝાએ જણાવ્યું હતું કે આરોપીને ઝડપી પાડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં મળતી માહિતી મુજબ, આરોપી ભરતભાઈ રામ પોતે સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે કાયદાકીય પ્રક્રિયા મુજબ નામદાર કોર્ટની મંજૂરી મેળવી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઘટનાએ મહિલાઓની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

(9:26 PM IST)