News of Saturday, 30th May 2026
ગોંડલ પંથકની સગીરાનું અપહરણ
બદકામના ઇરાદે ધર્મરાજ જાડેજા ભગાડી ગયાની પોલીસમાં ફરીયાદ

ગોંડલ, તા. ૩૦ : એક ૧૬ વર્ષીય સગીરાનું અપહરણ થયાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સગીરાના પિતાએ ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં પાડોશમાં રહેતા એક યુવક વિરુદ્ધ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે દીકરીને ભગાડી જવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ ગોંડલ પંથકના ૪૩ વર્ષીય વ્યકિતઓએ આ ફરીયાદ નોંધાવી છે તેમની ૧૬ વર્ષની દિકરી રાત્રે ઘરના નીચેના માળે તેના દાદા-દાદી સાથે સુતી હતી. તા. ૨૮/૦૫/૨૦૨૬ ના રોજ વહેલી સવારે સાડા ચારેક વાગ્યે દાદીની ઊંઘ ઉડતા પૌત્રી પથારીમાં જોવા મળી ન હતી, જેથી ઘરમાં અને બાથરૂમમાં તપાસ કરવા છતાં તે મળી ન હતી. દીકરી ન મળતા દાદીએ પુત્ર અને પુત્રવધૂને જાણ કરી હતી. તે સમયે ફરિયાદીની પત્નીએ જણાવ્યું હતું કે રાત્રે સગીરા પાસેથી એક મોબાઈલ મળી આવ્યો હતો, જે તેમણે પોતાની પાસે રાખી લીધો હતો. આ ઘટના પરથી પરિવારને શંકા ગઈ હતી કે તેમની દીકરી કોઈ યુવક સાથે જતી રહી છે.
ત્યારબાદ ફરીયાદીને જાણવા મળ્યું હતું કે વિજયસિંહનો દીકરો ધર્મરાજ ભગાડીને લઈ ગયો છે.પરિવારજનોએ પહેલા પોતાની રીતે દીકરીની શોધખોળ કરી હતી, પરંતુ તે મળી ન આવતા અંતે તા. ૨૯/૦૫/૨૦૨૬ ના રોજ બપોરે ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ધર્મરાજ વિજયસિંહ જાડેજા (રહે. મોહનપાર્ક, ગોંડલ) વિરુદ્ધ કાયદેસરના વાલીપણામાંથી અપહરણની ફરિયાદ નોંધાવી છે. આ કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી ચલાવી રહ્યા છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
