News of Sunday, 30th August 2026
ભાવનગરના જેસરના કોટામોઇ ગામે ખેતરના શેઢે મૂકેલા વીજ કરંટની ઝપેટમાં આવી જતાં યુવતીનું કરુણ મોત
પરિવારે વાડી માલિક રમુભાઈ ભીમજીભાઈ સામે કડક સજાની માંગ કરી: મોટા ખૂટવડા પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કોટામોઇ ગામમાં ખેતરમાં ગેરકાયદે વીજ વાયરના સંપર્કમાં આવતાં કરુણ ઘટના સામે આવી છે. રાત્રિના સમયે શૌચક્રિયા અર્થે ગયેલી મનિષાબેન કવાડ નામની યુવતી ખેતરના શેઢે લગાવેલા જીવંત વીજ કરંટની ઝપેટમાં આવી જતાં સ્થળ પર જ મોતને ભેટી હતી. સવારે જાણ થતાં પરિવારે વાડી માલિક સામે કડક સજાની માંગ કરી છે.
જેસર તાલુકાના કોટામોઇ ગામે વાડી વિસ્તારમાં બનેલી ઘટનાથી સમગ્ર પંથકમાં શોક અને ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. સ્થાનિક સૂત્રો અનુસાર, ગામમાં રહેતી મનિષાબેન કવાડ રાત્રિના સમયે કુદરતી હાજતે જવા માટે વાડી વિસ્તાર તરફ નીકળી હતી. આ દરમિયાન બાજુમાં આવેલી વાડીના સેઢા પર લગાવેલી તારની ફેન્સીંગમાં ખેડૂતે વન્યજીવો કે પશુઓથી રક્ષણ મેળવવા માટે સીધો જીવંત વીજ કરંટ છોડેલો હતો. અંધારામાં યુવતીનો પગ અથવા હાથ આ વાયરને અડી જતાં જોરદાર આંચકો લાગ્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું. રાત્રિના સમયે બનેલી ઘટનાથી પરિવાર સાવ અજાણ રહ્યો હતો, જેના કારણે યુવતીનો મૃતદેહ આખી રાત ખેતરના સેઢે જ પડી રહ્યો હતો.
મૃતક યુવતીના પરિવારે સીધો આક્ષેપ કર્યો છે કે વાડી માલિક રમુભાઈ ભીમજીભાઈની ઘોર બેદરકારીના કારણે તેમની નિર્દોષ દીકરીએ જીવ ગુમાવ્યો છે. પરિવારે આક્ષેપ કરતાં જણાવ્યું કે, "વાડી માલિકે લોકોની અવરજવર વાળા વિસ્તારમાં કોઈપણ ચેતવણી બોર્ડ વગર ખુલ્લો હાઈ-વોલ્ટેજ વીજ પ્રવાહ છોડી રાખ્યો હતો. આવી જીવલેણ બેદરકારી બદલ આરોપી સામે સખતમાં સખત કાયદાકીય પગલાં ભરાવા જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષનો જીવ ન જાય."
આ મામલે મોટા ખૂટવડા પોલીસ મથકને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઘટનાસ્થળનું પંચનામું કર્યું હતું તેમજ વીજ વાયરિંગ અને વીજ કનેક્શન ક્યાંથી ખેંચવામાં આવ્યું હતું તેની ઊંડાણપૂર્વક ટેકનિકલ તપાસ શરૂ કરી છે. પીજીવીસીએલ (PGVCL) ની ટીમને પણ સાથે રાખીને વીજ ચોરી કે ગેરકાયદે જોડાણ અંગે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
