<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

કચ્છ સરહદ પર મરીન કમાન્ડો અને પોલીસ વિભાગ દ્વારા અત્યંત સઘન તપાસણી શરૂ

મરીન ટાસ્ક ફોર્સના જખૌ સેક્ટર દ્વારા મોહાડી, નિમલી વાંઢ, અલ્ટ્રાટેક જેટી, કરમટા અને એબીજી જેટી સુધીના સંવેદનશીલ દરિયાઈ તટીય વિસ્તારોમાં પગપાળા ગશ્ત

ભુજ: ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી વહીવટી તંત્ર દ્વારા એક વિશેષ સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત કચ્છ સરહદ પર મરીન કમાન્ડો અને પોલીસ વિભાગ દ્વારા અત્યંત સઘન તપાસણી શરૂ કરવામાં આવી છે, જેથી કોઈ પણ અસામાજિક કે શંકાસ્પદ પ્રવૃત્તિઓને સમયસર અટકાવી શકાય.

 

મરીન ટાસ્ક ફોર્સના જખૌ સેક્ટર દ્વારા મોહાડી, નિમલી વાંઢ, અલ્ટ્રાટેક જેટી, કરમટા અને એબીજી જેટી સુધીના સંવેદનશીલ દરિયાઈ તટીય વિસ્તારોમાં પગપાળા ગશ્ત કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધીક્ષક આર. એમ. ચૌધરીના નેતૃત્વ હેઠળ આ ખાસ ઝુંબેશનું આયોજન કરાયું હતું. સુરક્ષા દળો દ્વારા વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ ટુકડીઓ બનાવીને દરિયામાં સઘન બોટ તપાસણીની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી, જેનાથી દરિયાઈ માર્ગે થતી સંભવિત ઘૂસણખોરી પર અંકુશ મેળવી શકાય.

 

આ ઝુંબેશ દરમિયાન સુરક્ષા અધિકારીઓએ સ્થાનિક માછીમારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમને અજાણ્યા તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ અને બોટ પર વિશેષ નજર રાખવા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શિકા આપવામાં આવી હતી. માછીમારોને સુરક્ષા એજન્સીઓ સાથે સતત સહકાર આપવા અને કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તુરંત જ પોલીસ કે મરીન ટાસ્ક ફોર્સને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી.

 

મરીન ટાસ્ક ફોર્સના અધિક પોલીસ મહાનિર્દેશક અમિત વિશ્વકર્મા, નાયબ પોલીસ મહાનિરીક્ષક એ. એમ. મુનિયા અને પોલીસ અધીક્ષક એસ. જે. પરમારના માર્ગદર્શન હેઠળ આ મહત્ત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર રાજ્યના દરિયાકિનારાના વિસ્તારોમાં સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે આ વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે કચ્છ સરહદની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવશે.

 

(11:56 PM IST)