News of Wednesday, 18th November 2026
કચ્છમાં પૂ. જલારામબાપા જન્મજયંતિએ સેવાની સુવાસ: માનસિક દિવ્યાંગો અને વૃદ્ધો સાથે ઉજવ્યો મહાપ્રસાદનો આનંદ
ભુજના રવાણી ફળિયાના જલારામ મંદિર દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમમાં ભોજનપ્રસાદ, માનવજ્યોત સંસ્થાએ વધેલો મહાપ્રસાદ જરૂરિયાતમંદોનાં ઝૂંપડે-ઝૂંપડે પહોંચાડ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮ : સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિ નિમિત્તે ભુજમાં ભક્તિની સાથે માનવસેવાની સુવાસ પ્રસરી હતી. જલારામ બાપાના ‘સેવા એ જ પ્રભુભક્તિ’ના ભાવને સાકાર કરતા જલારામ મંદિર, રવાણી ફળિયા દ્વારા માનસિક દિવ્યાંગો અને વૃદ્ધ વડીલો સાથે મહાપ્રસાદનો આનંદ વહેંચવામાં આવ્યો હતો. આ પ્રસંગે માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમના માનસિક દિવ્યાંગો તેમજ વડીલોના વિસામાના વૃદ્ધોને રોટલા, ખીચડી, કઢી, મરચાં અને ગોળ સહિતનો ભાવભીનો મહાપ્રસાદ જમાડવામાં આવ્યો હતો. પ્રેમ અને આત્મીયતાથી પીરસાયેલા ભોજનનો આસ્વાદ માણીને સૌના ચહેરા પર પ્રસન્નતા છવાઈ હતી.
જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે ભુજમાં વિવિધ સ્થળોએ મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા હતા. આ દરમિયાન માનવજ્યોત સંસ્થાએ વધેલો મહાપ્રસાદ માત્ર એક સ્થળે સીમિત ન રાખતાં તેને જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાની સેવાભાવી પહેલ કરી હતી. સંસ્થાના કાર્યકરોએ ભૂંગા અને ઝૂંપડાંમાં રહેતા ગરીબ પરિવારોનાં ઘરઆંગણે જઈ મહાપ્રસાદ પહોંચાડ્યો હતો. રોજિંદા જીવનમાં સંઘર્ષ કરતા જરૂરિયાતમંદો માટે આ ભોજન માત્ર પેટ ભરવાનું માધ્યમ નહોતું, પરંતુ કોઈએ પ્રેમથી તેમની પણ દરકાર લીધી છે તેવો લાગણીસભર અહેસાસ હતો. ભોજન મેળવીને જરૂરિયાતમંદોએ ખુશી વ્યક્ત કરી હતી અને આયોજકોને અંતરના આશીર્વાદ પાઠવ્યા હતા.
જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણીમાં ભક્તિની સાથે માનવતાનો ઉમદા સંગમ જોવા મળ્યો હતો. કોઈના ચહેરા પર સ્મિત લાવવું, ભૂખ્યાને ભોજન આપવું અને વંચિતોની વચ્ચે પ્રેમ વહેંચવો એ જ સાચી સેવા છે, તેવો સંદેશ આ સેવાકાર્ય થકી પ્રસર્યો હતો.
આ સમગ્ર સેવાના કાર્યની વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, અક્ષય મોતા, શ્રવણ ડાભી, પ્રતાપ ઠક્કર સહિત સર્વે કાર્યકરોએ સંભાળી હતી. જલારામ બાપાની જન્મજયંતિએ યોજાયેલી આ અન્નસેવા ઉત્સવને માનવતાના મહોત્સવમાં પરિવર્તિત કરનારી બની રહી હતી.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
