<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

કચ્છના બાલાસર ગામે શિક્ષક ભરત ચૌધરીને અપાયું ભાવભેર વિદાયમાન: જિલ્લા ફેર બદલી થતાં ગ્રામજનોએ ભાવુક હૃદયે આપી વિદાય

સતત ૨૨ વર્ષ સુધી વાગડ વિસ્તારમાં શિક્ષણની જ્યોત પ્રસરાવી : કાર્યકાળ દરમિયાન શાળાને ઊંચાઈના શિખરો સર કરવા માટે અથાગ પરિશ્રમ કર્યો : મિલનસાર સ્વભાવ અને વહીવટી કુશળતાને કારણે તેઓ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીગણ અને ગ્રામજનોમાં લોકપ્રિય બન્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૪ :  શિક્ષક અને ગ્રામજનો વચ્ચેના અનોખા સંબંધોનો કિસ્સો કચ્છના બાલાસર ગામે નોંધાયો છે. અહીં વર્ષ ૨૦૦૪ થી ૨૦૨૬ સુધી સતત ૨૨ વર્ષ વાગડ વિસ્તારમાં શિક્ષણ જ્યોત પ્રસરાવનાર બાલાસર કુમાર ગૃપ પ્રાથમિક શાળાના ડાયનેમિક આચાર્ય શ્રી ભરતભાઈ ચૌધરીની વતનના જિલ્લામાં બદલી થતાં ગ્રામજનો દ્વારા ભવ્ય વિદાયમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ભરતભાઈ ચૌધરીએ એમના કાર્યકાળ દરમિયાન શાળાને ઊંચાઈના શિખરો સર કરવા માટે અથાગ પરિશ્રમ કર્યો હતો. એમના મિલનસાર સ્વભાવ અને વહીવટી કુશળતાને કારણે તેઓ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીગણ અને ગ્રામજનોમાં લોકપ્રિય બન્યા હતા. તેમની આ કાર્યશૈલીને બિરદાવવા માટે શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા વિદાય શુભેચ્છા પાઠવવામાં આવી હતી. 

કાર્યક્રમમાં શાળા પરિવાર, ગ્રામજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, પેટા શાળાના શિક્ષકો અને આસપાસના ગામોના અગ્રણીઓ દ્વારા ભરતભાઈને વિવિધ ભેટ સોગાદો દ્વારા વિદાય શુભેચ્છા પાઠવી તેમના આગામી કાર્યકાળ માટે શુભકામના પાઠવી હતી. ઉપસ્થિત મહેમાનો, શાળાના વિદ્યાર્થીઓ, સ્ટાફ ગણ અને ગ્રામજનો દ્વારા ભરતભાઈ ના કાર્યકાળ દરમિયાન તેમની કામગીરીને યાદ કરી સંસ્મરણ વાગોળ્યા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી. કન્યા શાળાની દીકરીઓ દ્વારા સુંદર વિદાયમાન ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોને ભરતભાઈએ શાલ અને પુષ્પગુચ્છ થી આવકાર્યા હતા તેમજ શાળાના નવિન આચાર્ય જીવાભાઈ ગામેતી સાહેબે શાબ્દિક સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે રાપર તાલુકા પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ ભરતસિંહ પરમાર, પૂર્વ તા.પ્રા.શિ અધિકારી આંબાભાઈ મકવાણા, ઘનશ્યામ મહારાજ, પારસભાઈ દવે, ગામના અગ્રણીઓ, આસપાસની શાળાના આચાર્યશ્રીઓ, ભૂતપૂર્વ શિક્ષકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, બાલાસર કન્યા અને કુમાર પ્રા.શાળાના વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરતભાઈ ચૌધરી તરફથી બન્ને શાળાના વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(9:40 AM IST)