<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

કચ્છના કિડાણા ગામે મોબાઇલ મેસેજના વિવાદમાં ધીંગાણું: છ થી વધુ ઘાયલ, સામસામી ફરિયાદમાં ૨૪ શખ્સો સામે ગુનો

બે વાહનો વચ્ચે ટક્કર મારી ધારિયા, છરી અને ધોકા વડે થયેલ ધીંગાણાના સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ પોલીસની ઝડપી કાર્યવાહી ૪ આરોપીઓ ઝડપ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ :  કચ્છના ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે સોશિયલ મીડિયા પર મેસેજ મોકલવાની બાબતને લઈને બે જૂથ વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મારામારીની ગંભીર ઘટના બની હતી. મોટાપીર ચોક વિસ્તારમાં બનેલી આ ઘટનામાં છથી વધુ લોકોને ઈજાઓ પહોંચી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. બનાવને પગલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે બંને પક્ષોની સામસામી ફરિયાદોના આધારે કુલ ૨૪ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

કિડાણા ગામમાં સોશિયલ મીડિયા મારફતે મેસેજ મોકલવાની બાબતને લઈને બંને પક્ષો વચ્ચે મનદુઃખ ઊભું થયું હતું. આ વિવાદ બાદ મામલો ઉગ્ર બન્યો હતો. એક પક્ષના સાહિલ ઈશાક ચાવડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ મેસેજના મુદ્દે મનદુઃખ રાખી મોટાપીર ચોક ખાતે બોલાચાલી કરી હતી અને બાદમાં કાર અટકાવી છરી, ધોકા તથા ધારિયા જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં સાહિલ ચાવડા અને તેના ભાઈ કાસમ ચાવડાને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ ઈરફાનભાઈ હુસેનભાઈ સોઢાએ નોંધાવેલી સામસામી ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે સાહિલ ચાવડા દ્વારા તેમની બહેન મુસકાનને મેસેજ કરવામાં આવતાં બોલાચાલી થઈ હતી. આ મુદ્દે સમાધાન માટે મળ્યા બાદ સાહિલ ઈશાક ચાવડા, કાસમ ઈશાક ચાવડા, હુસેન ઈશાક ચાવડા, ઈશાક ઉમર ચાવડા સહિતના શખ્સોએ ચા ની હોટલ પાસે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈરફાન સોઢા, તૌસીફ અને ઓસમાણને ઈજાઓ પહોંચી હતી. હુમલામાં ધારિયા અને અન્ય હથિયારોનો ઉપયોગ કરાયો હોવાના આક્ષેપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યા છે.

આ બનાવ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે બંને પક્ષોની ફરિયાદના આધારે સામસામી ગુનાહિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદોમાં કુલ ૨૪ શખ્સો સામે ગુનો નોંધાયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી ૪ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા યાદીમાં હુસેન ઈશાક ચાવડા, હુસેન વલીમામદ સોઢા, અરવિંદ અમૃતભાઈ કોળી અને જુમા ઉર્ફે કારિયો અબ્દુલ સોઢાનો સમાવેશ થાય છે. બે વાહનો વચ્ચે ટક્કર મારી અને જાહેરમાં ઘાતક હથિયારો સાથે હુમલો કરવાના આ બનાવના સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયો એ સમગ્ર કચ્છ જિલ્લામાં ચકચાર સર્જી હતી.

(9:33 AM IST)