News of Friday, 24th July 2026
જળબંબાકાર લખતર, ૨૪ કલાકમાં ૮ ઈંચ વરસાદ ખાબકતા ચાર ગામો સંપર્ક વિહોણા
કેસરિયા ગામો બેટમાં ફેરવાયાઃ અનેક પરિવારો ઘરમાં ફસાઇ ગયા બાદ સ્થળાંતર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૪: આઠ ઇંચ જેટલા મુશળધાર વરસાદને કારણે લખતરના ઓળક ગામમાં આવેલા રામદેવપીર પરા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે અનેક પરિવારો ઘરોમાં જ ફસાઈ ગયા હતા.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને લખતર મામલતદાર તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. રાત્રિના સમયે જ ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ફાયર વિભાગની ટીમને મેદાને ઉતારવામાં આવી હતી. ફાયર ટીમ દ્વારા ઓળક ગામના પૂરગ્રસ્ત વિસ્તારમાં જઈને અત્યંત જોખમી પરિસ્થિતિ વચ્ચે રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.ફાયર જવાનોએ પોતાની જાનની પરવા કર્યા વગર પાણીમાં ફસાયેલા તમામ ગ્રામજનોને હેમખેમ બહાર કાઢયા હતા.
રેસ્કયુ કરાયેલા આ તમામ રઈશો અને ગ્રામજનોને તાત્કાલિક ધોરણે નજીકની સુરક્ષિત જગ્યાઓ પર સ્થળાંતર કરવામાં આવ્યા છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
