<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

ભાવનગરના સિહોરના ભાણગઢ ગામેથી નશાકારક સિરપનો મોટો જથ્થો ઝડપાયો: આરોપીની ધરપકડ

ભાણગઢ ગામે SOG અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં નશાકારક સિરપનો મોટો જથ્થો સાથે હસમુખ પરમારની ધરપકડ ઝ:આરોપી પાસેથી 184 બોટલ સહિત કુલ રૂ.41,432નો મુદ્દામાલ જપ્ત કર્યો

ભાવનગર જિલ્લામાં નશાના કાળા કારોબાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. સિહોર તાલુકાના ભાણગઢ ગામે નશાકારક આયુર્વેદિક સિરપનું ગેરકાયદે વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર SOG અને સિહોર પોલીસની ટીમે સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો. આ સફળ ઓપરેશન દરમિયાન પોલીસે ભાણગઢ ગામેથી હસમુખ પરમાર નામના એક શખ્સને નશાકારક સિરપના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

 

પોલીસે પકડાયેલા આરોપી હસમુખ પરમારના ઠેકાણા પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન પોલીસને ત્યાંથી પ્રતિબંધિત અને નશાકારક ગણાતી સિરપની કુલ 184 બોટલો મળી આવી હતી. પોલીસે આ તમામ બોટલો તેમજ અન્ય સામગ્રી મળીને કુલ રૂપિયા 41,432ની કિંમતનો મુદ્દામાલ સત્તાવાર રીતે જપ્ત (કબ્જે) કરી લીધો છે. આ સિરપનો ઉપયોગ યુવાધનને નશાના માર્ગે ધકેલવા માટે થતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે.

 

આરોપી હસમુખ પરમારની પ્રાથમિક પૂછપરછ દરમિયાન નશાના આ નેટવર્કને લઈને મોટો ખુલાસો થયો છે. પકડાયેલા શખ્સે કબૂલાત કરી હતી કે આ નશાકારક સિરપનો જથ્થો મોકલનાર મુખ્ય સૂત્રધાર ભાવનગરનો રહેવાસી નાગજી કાનજી ચુડાસમા છે. આ ખુલાસા બાદ પોલીસે સિરપ મોકલનાર નાગજી ચુડાસમા વિરુદ્ધ ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કર્યો છે. સિહોર પોલીસ અને SOG ની ટીમોએ મુખ્ય આરોપીને દબોચી લેવા માટે અલગ-અલગ ઠેકાણે ચક્રો ગતિમાન કર્યા છે.

 

(8:28 PM IST)