News of Wednesday, 27th May 2026
ગીર ગઢડાના પોપટડી નેસમાં દીપડાનો હૂમલો
દાદાની બહાદુરીથી ત્રણ વર્ષના બાળકનો બચાવ

(નવીન જોષી દ્વારા) ઊના, તા.૨૭: ઊના તાલુકા અને ગીર ગઢડા તાલુકા વિસ્તારમાં જંગલી પ્રાણીઓ દીપડા, સિંહ અને મગરના માનવ ઉપર હુમલાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. તેમાં વધુ એક બનાવ ગીર ગઢડા તાલુકાના ઝાંખીયા ગીર જંગલ વિસ્તારમાં આવેલ પોપટડી નેસમાં બન્યો હતો.
પોપટડી નેસમાં રાજેન્દ્રભાઈ બાલુભાઈ ભાલીયાનો પરિવાર મકાન બાંધી રહે છે. ગઈ કાલે રાત્રે રાજેન્દ્રભાઈના પિતા બાલુભાઈ અને તેમનો ત્રણ વર્ષનો પૌત્ર માનવ રાજેન્દ્રભાઈ ભાલીયા મકાનની સામે રમી રહ્યા હતા. તે સમયે શિકારની લાલચમાં એક દીપડો ફળિયામાં ઘૂસી આવ્યો હતો અને તુરંત બાળક માનવ ઉપર પંજો મારી તેને નહોર મારી દીધા હતા.
દાદા બાલુભાઈ આ દ્રશ્ય જોઈ જતાં તુરંત રાડારાડ કરી હતી. અવાજ સાંભળી ઘરના સભ્યો બહાર દોડી આવ્યા હતા અને દીપડા ઉપર લાકડીનો ઘા કરતાં દીપડો બાળક માનવને છોડી જંગલમાં નાસી ગયો હતો. તાત્કાલિક સારવાર માટે ઊના હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે સારવાર આપી તેને ભયમુક્ત જાહેર કર્યો હતો.
એક દાદાએ અસાધારણ બહાદુરી અને હિંમત બતાવી દીપડાના મુખમાંથી પોતાના પૌત્રને બચાવી લીધો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને હુમલાખોર દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવી દીધા છે.
ઊના અને ગીર ગઢડા પંથકમાં સતત વધી રહેલા સિંહ-દીપડાના હુમલાના બનાવોને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ છે. વન વિભાગ દીપડા અને સિંહના માનવ ઉપર હુમલા રોકવા માટે નક્કર અને તાત્કાલિક કામગીરી કરે તેવી લોકમાંગણી પ્રબળ બની છે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
