News of Tuesday, 2nd June 2026
વેરાવળમાં પરિવારની નજર સામે દીપડો બાળકીને ઉઠાવી ગયો
તાતીવેલામાં પિકનિક મનાવતા સમયે ૫૦ મીટર દૂર છોડી નાસી ગયોઃ વનવિભાગે ૪ પાંજરા ગોઠવ્યા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૨: નજીક આવેલા તાતીવેલા ગામની સીમમાં શનિવારે મોડી રાત્રે દીપડાએ હુમલો કર્યો હતો. દીપડો પરિવારની નજર સામે જ ત્રણ વર્ષની બાળકીને ઉઠાવી ગયો હતો. જોકે, પરિવારજનોએ બૂમરાણ મચાવતાં દીપડો બાળકીને આશરે ૫૦ મીટર દૂર છોડીને નાસી છૂટયો હતો આ ઘટના રાત્રે લગભગ ૧ વાગ્યાના અરસામાં બની હતી. ગરીબ નવાઝ કોલોનીમાં રહેતા શેબાઝ ખોખર તેમના પરિવારના આશરે ૧૦ સભ્યો સાથે તાતીવેલા ગામ નજીક સંબંધી સતાર ઇબ્રાહીમ સયાજીની વાડીએ રોકાયા હતા.
બાળકી અરફા શેબાઝ ખોખર (ઉંમર ૩ વર્ષ) તેની માતા સાથે બહાર હતી. માતા લઘુશંકા માટે ગઈ હતી ત્યારે બાળકી નજીકમાં જ હતી. અચાનક ઝાડીમાંથી દીપડો બહાર આવ્યો અને બાળકીને મોઢામાં પકડીને દોડી ગયો. પરિવારજનોએ બૂમરાણ મચાવતા દીપડો બાળકીને છોડીને જંગલ તરફ ભાગી ગયો હતો.
ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ તેની સારવાર ચાલી રહી છે અને બાળકીની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. દીપડો ફરીથી કોઈને ઇજા ન પહોંચાડે તે માટે વન વિભાગે વિશેષ સતર્કતા દાખવી છે. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારમાં ચાર પાંજરા ગોઠવવામાં આવ્યા છે.
ફોરેસ્ટર, વન રક્ષકો, ટ્રેકરો અને અન્ય સ્ટાફ દ્વારા દીપડાના પગેરા શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દીપડાને ઝડપી પાડવા માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઘટનાને પગલે તાતીવેલા સહિત આસપાસના ગામોમાં ભયનો માહોલ છવાયો છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
