<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

બાબરા પંથકમાં સિંહની એન્‍ટ્રીથી લોકોમાં કુતૂહલ અને ભય

નિલવળા રોડ જૂના તળાવ પાસે ગાયનું મારણ કર્યું, સિંહ વાડીમાં હોવાની માહિતીથી લોકો જોવા ઉમટયા

(દિપક કનૈયા દ્વારા) બાબરા, તા.૨૧:  બાબરા પંથકમાં છેલ્લા ઘણા સમયથી સિંહ અને દીપડાના વસવાટ તથા અવરજવરના સમાચાર સામે આવી રહ્યા છે. ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સિંહ વારંવાર આવી પશુઓનું મારણ કરતા હોવાના બનાવો પણ બનતા રહ્યા છે. ખંભાળા, નાની કુંડળ, કોટડાપીઠા સહિત આસપાસના વિસ્‍તારોમાં સિંહની અવરજવર જોવા મળતી હોય છે.

ત્‍યારે  બાબરા શહેરમાં પણ સિંહ આવી પહોંચ્‍યો હોવાના સમાચારથી લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્‍યું હતું. બાબરા-નિલવળા રોડ પર જૂના તળાવ નજીક સિંહે એક ગાયનું મારણ કર્યું હોવાનું જાણવા મળ્‍યું છે.

મારણ કર્યા બાદ સિંહ હાલ નજીકની એક વાડીમાં હોવાની માહિતી મળતાં આસપાસના લોકો સિંહને જોવા માટે એકઠા થયા હતા.

બાબરા શહેર નજીક સિંહની હાજરીના સમાચારથી વાડી-ખેતરોમાં રહેતા ખેડૂતો, ખેતમજૂરો તેમજ પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ખુલ્લા વિસ્‍તારમાં પશુધન ચરાવતા લોકો અને રાત્રિના સમયે ખેતરોમાં રહેતા પરિવારો માટે સિંહની અવરજવર ચિંતાનો વિષય બની છે.

બાબરા પંથકમાં વન્‍યપ્રાણીઓની વધતી અવરજવરને ધ્‍યાનમાં રાખીને વન વિભાગ દ્વારા જરૂરી તકેદારી અને સુરક્ષાત્‍મક પગલાં લેવામાં આવે તેવી સ્‍થાનિક લોકોમાં માંગ ઉઠી રહી છે.

સિંહ જોવા માટે ભીડ એકઠી ન કરવી, સિંહથી સુરક્ષિત અંતર જાળવવું અને વન વિભાગની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. વન્‍યપ્રાણીની હાજરી અંગે તાત્‍કાલિક વન વિભાગને જાણ કરવા જણાવ્‍યુ છે

(1:17 PM IST)