તા. ૨૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૩ શુક્રવાર
News of Friday, 27th November 2026
સાયલા પાસે લોખંડના વાલના પાર્સલની આડમાં સંતાડેલ ૧૮ લાખનો દારૂ ઝડપાયો
જૂનાગઢના જાવીદ મટારી અને આરીફ સમા પકડાયાઃ માલ મંગાવનાર તોસીફ સહિત અન્ય સામે ગુનો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૭: સાયલા પો.સ્ટે. વિસ્તારમાં લીંબડી-રાજકોટ હાઈવે ઢેઢુકી ટોલનાકા પાસેથી અશોક લેલન ટ્રક નં. GJ-03-BW-1571માં લોખંડના વાલના પાર્સલની આડમાં સંતાડેલ દારૂની બોટલ નંગ ૧૦,૬૦૮ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૧,૨૨,૮૧,૦૮૧/- ના મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમે સફળ કામગીરી કરી છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાનાર હોય અને રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ચૂંટણી શાંતિમય વાતાવરણમાં યોજાય તે હેતુસર પ્રોહિબીશનની ગેરકાયદેસર પ્રવળત્તિ કરનાર ઇસમોને શોધી કાઢી પકડી પાડવા સૂચના આપેલ હતી.
જે અન્વયે રાજકોટ રેન્જના પો.ઇન્સ. અપૂર્વ પટેલના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પો.સબ.ઇન્સ. પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, એસ.પી. ગોહિલ, એ.વાય. ઉધાસ તથા સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સનો ઉપયોગ કરી જરૂરી ટેકનિકલ એનાલીસીસ તથા વર્કઆઉટ કરી રહેલ હતા, દરમ્યાન દિવ્યેશભાઈ સુવા, નિકુલભાઈ પંપાણીયા તથા રવિરાજસિંહ વાળાને મળેલ હકીકત આધારે પો.સ.ઇ. બી.સી. મિયાત્રા તથા સ્ટાફના વિજયસિંહ પરમાર, ફતેસંગ પરમાર તથા રાજુભાઈ પઢેરીયા અશોક લેલન ટ્રક રજી. નં. GJ-03-BW-1571માં બહારના રાજ્યમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી લીંબડી-રાજકોટ હાઈવે પરથી પસાર થનાર હોવાની મળેલ હતી.
આ ટ્રકની વોચમાં હતા ત્યારે આ ટ્રક ઢેઢુકી ટોલનાકા પાસેથી પસાર થતા તેને રોકી ચેક કરતા ટ્રકમાંથી લોખંડના વાલના પાર્સલની આડમાં સંતાડેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૦,૬૦૮ કુલ કિ. રૂ. ૧૮,૦૩,૩૬૦/- સાથે આરોપીઓ જાવીદ જાકીરહુશેન મટારી તથા આરીફ હુસેનભાઈ સમા મળી આવતા અશોક લેલન ટ્રક, ઈંગ્લીશ દારૂની બોટલો, મોબાઈલ ફોન તથા ટ્રકને લગતા કાગળો મળી કુલ રૂ. ૨૮,૪૩,૩૬૦/- નો મુદ્દામાલ કબજે કરી (૧) જાવીદ જાકીરહુશેન મટારી રહે. મટારી મંઝીલ, ખામધ્રોળ રોડ, જૂનાગઢ તથા (૨) આરીફ હુસેનભાઈ સમા રહે. હુસેની ચોક, રામદેવપરા, જૂનાગઢનાઓને અટક કરેલ તેમજ પકડવાના બાકી આરોપીઓ (૩) માલ મંગાવનાર તોસીફ રહે. જૂનાગઢ તથા (૪) માલ ભરી આપનાર તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
તેમજ લોખંડના વાલ ભરેલા બોક્સ નંગ-૪૧ જેની કુલ કિ. રૂ. ૯૪,૩૭,૭૨૧/- ગણી બી.એન.એસ.એસ. કલમ-૧૦૬(૧) મુજબ પંચનામાની વિગતે અલગથી કબજે કરી સાયલા પોલીસ સ્ટેશન ખાતે સ્ટે.ડા. નોંધ કરાવી મુદ્દામાલ આગળની જરૂરી કાર્યવાહી કરવા સારુ સાયલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
