News of Monday, 14th September 2026
મહુવા- માળીયાહાટીનામાં અઢીઃ ઉનામા ૨ ઇંચ વરસાદ
રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે હળવો- ભારે વરસાદ યથાવત

રાજકોટ તા.૧૪: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘાવી માહોલ બરાબર જામ્યો છે અને હળવો ભારે વરસાદ વરસી જાય છે.
ભાવનગરના મહુવામાં અને જુનાગઢના માળીયાહાટીનામાં અઢી ઇંચ વરસાદ પડયો છે. ઉનામાં ર ઇંચ વરસાદ પડયો છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જુનાગઢના માળીયાહાટીનામાં અઢી ઇંચ અને ભેંસાણમાં ર ઇંચ તથા માણાવદર અને મેંદરડામાં દોઢ ઇંચ વરસાદ પડયો છે. વિસાવદરમાં એક ઇંચ વરસાદ પડયો છે.
કેશોદ, માંગરોળ, જુનાગઢ, વંથલીમાં ઝાપટામાં વરસ્યો છે.
મહુવા
(રહીમ વસાયા દ્વારા) મહુવાઃ મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગણપતિ ઉત્સવના પ્રારંભના દિવસે જ મેઘરાજાએ શુકન સાચવ્યુ હોય તેમ સવારના ૧૦ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો છે.
આ લખાય છે ત્યારે પણ વરસાદ સતત ચાલુ છે. અત્યાર સુધીમાં અંદાજે અઢી ઇંચ જેટલો ધીંગો વરસાદ વરસી ગયો છે. મહુવા શહેર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદ હોવાના વાવડ મળી રહ્યા છે.
વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ ગણપતિ સ્થાપનાની તૈયારી કરતા ભક્તોમાં થોડી દોડધામ વધી ગઈ છે.
દ્વારકા
(વિનુભાઈ સામાણી દ્વારા) દ્વારકા યાત્રાધામ દ્વારકામાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.
ગણપતિ સ્થાપના ટાણે જ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.(તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
