<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

ધ્રોલ પોલીસની મોટી કાર્યવાહી : સોયલ ટોલ નાકા પાસેથી ૨ કિલો ગાંજા સહિત કુલ રૂ.૪,૫૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી લેવાયા : જુઓ વિડીયો

ધ્રોલ-જામનગર હાઈવે રોડ, ચંન્દ્રોદય હોટલની સામે રોડની સાઈડમા સફેદ કલરની ગાડીમાંથી બન્ને આરોપીને પકડી લીધા

( સંજય ડાંગર દ્વારા ) ધ્રોલ :નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (આઈ.પી.એસ.) રાજકોટ વિભાગ, રાજકોટનાઓ દ્વારા જામનગર જિલ્લામા નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા માટે સૂચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીએ તથા નાયબ પોલીસ અધિક્ષક ઇન્ચાર્જ જામનગર ગ્રામ્યના મીત રૂદલાલનાઓએ જામનગર જીલ્લામાં યુવાધન નશાના કારોબારના કારણે બરબાદ થતુ હોય, શહેરમા પ્રવેશતા નશાકારક પદાર્થ તથા જામનગર જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃતિ કરતા ઈસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા તથા જામનગર જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે “No Drugs In Jamnagar" અભિયાન શરૂ કરવા સૂચના કરેલ.

હાલમાં નશાકારક પદાર્થ પકડી પાડવા માટે ધ્રોલ પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામા આવેલ હોય, લોકો નશો કરવા માટે નવા નવા નુસખાઓ અપનાવતા હોય ગુનેગાર પણ નશો કરનારની માંગ મુજબ ઝેરી વસ્તુઓ પણ વેચવા માંગતા હોય જે અંગે ધ્રોલ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર આઈ.એ.ઘાસુરા માર્ગદર્શન મુજબ ધ્રોલ પો.સ્ટે.ના સ્ટાફના માણસો ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા,દરમ્યાન ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદુભા જાડેજા તથા અશોકભાઈ શિયાર તથા પોલીસ કોન્સ્ટેબલ મનિષભાઈ વાડોલીયને બાતમી મળેલ કે, ધ્રોલ-જામનગર હાઈવે રોડ, ચંન્દ્રોદય હોટલની સામે રોડની સાઈડમા સફેદ કલરની હુન્ડાઈ કંપનીની વરના ગાડી નંબર GJ-02-BD-5655 મા બે શખ્શો ગાંજાના જથ્થા સાથે બેસેલ છે જેથી હકિકત મુજબની જગ્યાએ જઈ રેઈડ કરતા ત્યાથી જયેશભાઈ રામાભાઈ કારાવદરા તથા જયદિપગર દયાગર અપારનાથી (રહે,બંને રાણારોઝીવાડા ગામ તા.જી. પોરબંદર વાળા) ઓ ગે.કા. માદક પદાર્થ ગાંજો ૨ કિલો કુલ કિ.રૂ.૦૧,૦૦,૦૦૦/- તથા બે મોબાઈલ ફોન તથા વરના કાર વિગેરે મળી કુલ કિંમત રૂપિયા કિ.રૂ.૦૪,૫૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જતા આરોપીઓ વિરૂધ્ધ ધ્રોલ પો.સ્ટે. બી-પાર્ટ ગુના રજીસ્ટર નંબર ૧૧૨૦૨૦૧૪૨૬૦૭૬૩/૨૦૨૬ એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૦(બી)(૨)(બી), ૨૯ મુજબ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કબ્જે કરવામા આવેલ મુદ્દામાલ:-
(૧) ગાંજો ૨ કિલો કુલ કિ.રૂ.૧,૦૦,૦૦૦/-
(૨) બે મોબાઈલ ફોન કિ.રૂ.૫૫,૦૦૦/-
(૩) વરના કાર કિ.રૂ.૩,૦૦,000/-
મળી કુલ કિ.રૂ.૪,૫૫,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ
આ કાર્યવાહી ધ્રોલ પો.સ્ટે.ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર આઈ.એ.ઘાસુરા તથા ધ્રોલ પો.સ્ટે.ના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(12:59 AM IST)