<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

જૂનાગઢના દારૂકાંડમાં મોટી કાર્યવાહી: ભેસાણના તત્કાલીન મહિલા PI એફ. બી. ગગનીયા સસ્પેન્ડ, પોલીસ બેડામાં ખળભળાટ

17 નવેમ્બરે SMCના ₹1.53 કરોડના દારૂ-બિયરના દરોડા બાદ તૈયાર રિપોર્ટના આધારે પગલું; અગાઉ રાજકોટ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરાઈ હતી

જૂનાગઢ : જૂનાગઢના ભેસાણ પંથકમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા કરોડો રૂપિયાનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવાના કેસમાં પોલીસ વિભાગે કડક કાર્યવાહી કરતા ભેસાણના તત્કાલીન મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર એફ. બી. ગગનીયાને સસ્પેન્ડ કર્યા છે, જેના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. SMCના દરોડા બાદ રજૂ કરાયેલા રિપોર્ટના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ગત 17 નવેમ્બરના રોજ SMCની ટીમે જૂનાગઢ જિલ્લાના ભેસાણ વિસ્તારમાં ગેરકાયદે દારૂના વેપાર સામે દરોડો પાડીને દારૂ અને બિયરની કુલ 1,015 પેટી એટલે કે 26,519 બોટલોનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન દારૂની હેરાફેરીમાં વપરાયેલો ટ્રક પણ કબજે લેવાયો હતો, જ્યારે ટ્રક સહિત દારૂ-બિયરના જથ્થાની કુલ કિંમત ₹1,53,47,467 આંકવામાં આવી હતી.

દરોડા દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય નવ ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા શોધખોળ અને તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા.

SMC દ્વારા સમગ્ર દરોડા અને કાર્યવાહી અંગે રિપોર્ટ તૈયાર કરીને રજૂ કરાયા બાદ PI એફ. બી. ગગનીયા સામે સસ્પેન્શનનો હુકમ કરાયો છે, જ્યારે અગાઉ તેમની રાજકોટ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી હતી.

(6:55 PM IST)