News of Wednesday, 15th July 2026
મેઘરાજાએ વિરામ લેતા કચ્છના માલધારીઓ હાલ અત્યંત વિકટ પરિસ્થિતિમાં મુકાયા
બન્ની વિસ્તારના નાની દદ્ધર સહિતના ગામડાઓમાં પાણી અને ઘાસચારાની તીવ્ર અછત: પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો માટે પોતાના મૂંગા પશુધનને બચાવવું એક મોટો પડકાર બની ગયો

કચ્છમાં ચાલુ વર્ષે મેઘરાજાએ જાણે વિરામ લીધો હોય તેમ ચોમાસું ખેંચાઈ રહ્યું છે. છેલ્લા એક મહિનાથી વરસાદની પ્રતિક્ષા કરી રહેલા કચ્છના માલધારીઓ હાલ અત્યંત વિકટ પરિસ્થિતિમાં મુકાયા છે. બન્ની વિસ્તારના નાની દદ્ધર સહિતના ગામડાઓમાં પાણી અને ઘાસચારાની તીવ્ર અછત વર્તાઈ રહી છે, જેના કારણે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો માટે પોતાના મૂંગા પશુધનને બચાવવું એક મોટો પડકાર બની ગયો છે.
સ્થિતિ એટલી ગંભીર છે કે ગૌચરની જમીનો સંપૂર્ણપણે સુકાઈ ગઈ છે. પશુપાલક હાજી હાસમ નોડેએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, પશુ આહારના ભાવ આસમાને પહોંચતા પશુપાલકોની આર્થિક કમર તૂટી ગઈ છે. જે ઘાસ અગાઉ 6 થી 8 રૂપિયા પ્રતિ કિલો મળતું હતું, તેનો ભાવ હવે 20 થી 22 રૂપિયા સુધી પહોંચી ગયો છે. માત્ર ઘાસ જ નહીં, પરંતુ ભૂસા અને ખોળના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. 1200-1300 રૂપિયામાં મળતી ભૂસાની ગુણી હવે 1500 થી 1600 રૂપિયામાં મળી રહી છે, જ્યારે ખોળના ભાવ 2200 થી 2300 રૂપિયા સુધી પહોંચી ગયા છે.
આ સ્થિતિની સીધી અસર દૂધ ઉત્પાદન પર પડી છે. ચોમાસાના દિવસોમાં જે પશુઓ પાસેથી 100 ટકા ક્ષમતા મુજબ દૂધ મળતું હતું, તે ઉત્પાદન ગરમી અને પૂરતા આહારના અભાવે ઘટીને માત્ર 50 ટકા પર આવી ગયું છે. દૂધ ઉત્પાદનમાં થયેલા આ ઘટાડાને કારણે માલધારીઓની આવક લગભગ ઠપ થઈ ગઈ છે. એક તરફ પશુઓને ખવડાવવાનો ખર્ચ વધી રહ્યો છે અને બીજી તરફ આવકના સ્ત્રોત ઘટી રહ્યા છે, ત્યારે આ પરિવારો માટે પરિવારનું ગુજરાન ચલાવવું એ યક્ષપ્રશ્ન બની ગયો છે. સરકારી સહાય અને ઘાસચારાના ડેપોની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
