<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

રેતીની લીઝનું ઓનલાઈન એકાઉન્ટ અનલોક કરવા રૂ. ૫૦ હજારની લાંચ માગનાર ભુજ ખાણ-ખનીજ વિભાગનો IT એક્ઝિક્યુટિવ અને વચેટિયો ACB ની ટ્રેપમાં ઝડપાયા

એરોપ્લેન સર્કલ પાસે દહીંવડા સેન્ટર ખાતે છટકું ગોઠવી ભુજ એસીબીએ કરાર આધારિત કર્મચારી જીનીશ આચાર્ય અને ખાનગી વ્યક્તિ આશિષ આચવડીયાને લાંચની રકમ સાથે રંગેહાથ પકડ્યા

ભુજ: ભુજ કલેક્ટર કચેરી સ્થિત ખાણ અને ખનીજ વિભાગમાં કરાર આધારિત આઈ.ટી. એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા કર્મચારી અને તેની સાથે કામ કરતા એક ખાનગી વ્યક્તિને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ રૂ. ૫૦,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. રેતીની લીઝનું ઓનલાઈન એકાઉન્ટ અનલોક કરી આપવાના બદલામાં આ ગેરકાયદેસર રકમની માગણી કરવામાં આવી હતી.

મળતી વિગતો અનુસાર, ફરિયાદીની વર્ષ ૨૦૦૮ માં મંજૂર થયેલી રેતીની લીઝનું ઓનલાઈન એકાઉન્ટ લોક થઈ ગયું હતું. વહીવટી પ્રક્રિયા મુજબ ખનન કરેલા ખનીજના વહન માટે રોયલ્ટી પાસ જનરેટ કરવા અર્થે એકાઉન્ટ અનલોક હોવું અનિવાર્ય હોવાથી ફરિયાદીએ ખાણ અને ખનીજ કચેરીમાં કરાર આધારિત IT એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા આરોપી નં.૧ જીનીશ નિતિનભાઇ આચાર્ય (ઉ.વ.૩૦) નો સંપર્ક કર્યો હતો. જીનીશ આચાર્યએ આ એકાઉન્ટ અનલોક કરવાના બદલામાં રૂ. ૫૦,૦૦૦ ની લાંચની માગણી કરી હતી.

ફરિયાદી આ લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે ભુજ એ.સી.બી. નો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ભુજ એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન.મોઢવાડીયા તથા સ્ટાફ દ્વારા તારીખ ૨૮/૦૯/૨૦૨૬ ના રોજ મુન્દ્રા રોડ પર એરોપ્લેન સર્કલ પાસે આવેલા જોષી દહીંવડા સેન્ટર ખાતે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ટ્રેપ દરમિયાન આરોપી IT એક્ઝિક્યુટિવ જીનીશ આચાર્યએ માઇનિંગ વિભાગમાં અરજી તૈયાર કરવાનું કામ કરતા ખાનગી વ્યક્તિ આરોપી નં.૨ આશિષ કાળૂભાઇ આચવડીયા (ઉ.વ.૪૧) ને લાંચની રકમ સોંપવા જણાવ્યું હતું. આશિષ આચવડીયાએ ફરિયાદી પાસેથી રૂ. ૫૦,૦૦૦ ની લાંચની રકમ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે દરોડો પાડીને તેને સ્થળ પર જ પકડી લીધો હતો. બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરીને ગુનો આચર્યો હોય, એ.સી.બી.એ લાંચની પૂરેપૂરી રકમ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(8:58 PM IST)