<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

કચ્‍છના ભચાઉની આસ્‍થા જ્‍વેલર્સમાં મહિલા કર્મચારીનો હાથફેરોઃ ૨.૮૦ લાખના દાગીના ચોર્યા, પોલીસે મહિલા સહિત મિત્રને દબોચ્‍યા.

CCTVમાં ચોરી કરતા પકડાઈ નિરાલી સાધુઃ ઘરે બહાર હોવાનું બહાનું કાઢ્‍યું, દાગીના વેચવામાં મદદ કરનાર અયુબ કુંભાર પણ ઝડપાયો, મુદ્દામાલ રિકવર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬: કચ્‍છ જિલ્‍લાના ભચાઉ શહેરમાં આસ્‍થા જ્‍વેલર્સ નામની દુકાનમાં મહિલા કર્મચારીએ જ વિશ્વાસઘાત કરીને ૨ લાખ ૮૦ હજારની કિમતના સોનાના દાગીનાની ચોરી કરી હોવાનો કિસ્‍સો સામે આવ્‍યો છે. આ પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં મહિલા કર્મચારી અને તેને મદદગારી કરનાર પુરુષ મિત્રની ધરપકડ કરીને મુદ્દામાલ કબજે લીધો છે.

ભચાઉમાં આવેલ આસ્‍થા જ્‍વેલર્સના માલિક જીજ્ઞેશ લખમશી સોનીએ દુકાનમાં સ્‍ટોકની ગણતરી કરતા સોનાના દાગીના ઓછા જણાયા હતા. શંકા જતા તેમણે દુકાનમાં લાગેલા CCTV ફૂટેજ ચેક કર્યા હતા. ફૂટેજમાં તેમની જ દુકાનમાં કામ કરતી મહિલા કર્મચારી નિરાલી અશોક સાધુ દાગીના પર હાથફેરો કરતી સ્‍પષ્ટ રીતે દેખાઈ આવી હતી.

ચોરીની ખાતરી થતા માલિકે નિરાલીને ફોન કર્યો તો તેણે પોતે બહાર હોવાનું જણાવ્‍યું હતું. જોકે શંકા જતા જીજ્ઞેશભાઈ તાત્‍કાલિક નિરાલીના શિકરા ગામે આવેલા ઘરે પહોંચ્‍યા હતા. ત્‍યાં તેની માતાએ નિરાલી દુકાને નોકરીએ ગઈ હોવાનું કહેતા સમગ્ર મામલો શંકાસ્‍પદ બન્‍યો હતો. આ ગરબડ જણાતા જીજ્ઞેશભાઈએ ભચાઉ પોલીસ મથકે નિરાલી સામે ૨.૮૦ લાખના દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

 પોલીસે તાત્‍કાલિક કાર્યવાહી કરી આરોપી નિરાલી અશોક સાધુની અટકાયત કરી હતી. સઘન પૂછપરછમાં તેણે દાગીનાની ચોરી કરી તેના પુરુષ મિત્ર અયુબ સિધિક કુંભારની મદદથી વેચવાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે અયુબ કુંભારને પણ ઝડપી લીધો છે.

હાલ પોલીસે બંને આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કરી લીધો છે. જોકે દાગીના ક્‍યાં વેચવાના હતા અથવા કોને વેચ્‍યા હતા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહિલા કર્મચારી જ ચોરી કરતી પકડાતા વેપારી આલમમાં ચર્ચાનો વિષય બન્‍યો છે.

 

(11:01 AM IST)