News of Tuesday, 26th May 2026
વિંછીયાના છાસીયા ગામે મનસુખભાઇની કરપીણ હત્યા
કોળી યુવાન ઓરી ગામે નાના ભાઇને ઇમિટેશનનું કામ આપીને આવતાં હતાં ત્યારે ગામના પાદરમાં રમેશ ઉર્ફે ભટુ જોગરાજીયા લોખંડના પાઇપથી તૂટી પડયો : ૨૦૨૪માં મનસુખભાઇ અને તેના પિતા માવજીભાઇને રમેશ ઉર્ફે ભટુએ માર મારી ધમકી દીધી હોઇ તેનો કેસ થયો હતોઃ આ વાતનો ખાર રાખી વારંવાર ઘરે અને વાડીએ આવી ઝઘડા કરતોઃ અંતે હત્યા કરીઃ વિંછીયા પીઆઇ એ. સી. ડામોર અને ટીમે આરોપીને દબોચી લીધો

હત્યાનો ભોગ બનનાર મનસુખભાઇ ઉર્ફે જસમતભાઇનો નિષ્પ્રાણ દેહ અને શોકમય પિતા સહિતના સ્વજનો (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૨૬: રાજકોટ જિલ્લામાં હત્યાની વધુ એક ઘટના બની છે. જસદણના વિંછીયા તાલુકાના છાસીયા ગામે જૂની અદાવત અને પોલીસ ફરિયાદના મનદુઃખમાં એક યુવકની લોખંડના પાઇપ વડે હુમલો કરી કરપીણ હત્યા કરવામાં આવી હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. નજીકના સસરાના ગામેથી ઇમિટેશનનું કામ લઇને પરત ફરી રહેલા ૩૫ વર્ષીય યુવાનને ગામમાં જ આંતરી પાઇપના ઘા ફટકારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે. વિંછીયા પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ પુછતાછ શરૂ કરી હતી.
આ બનાવમાં વિંછીયા પોલીસે હત્યાનો ભોગ બનેલા મનસુખભાઇ ઉર્ફે જસમતભાઇ માવજીભાઇ મકવાણા (ઉ.વ.૩૫) નામના કોળી યુવાનના પત્નિ સંગીતાબેન મનસુખભાઇ મકવાણા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી છાસીયા ગામના જ રમેશ ઉર્ફે ભટુ લીંબાભાઇ જોગરાજીયા વિરૂધ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. હત્યાનો ભોગ બનનાર મનસુખભાઇ ઉર્ફે જસમતભાઇ ખેતી કરવાની સાથે ઇમિટેશનનું કામ પણ કરતાં હતાં. તેના પત્નિ પણ ઇમિટેશનનું કામ કરે છે. પોતે એક બહેનથી મોટા હતાં. સંતાનમાં દિકરો આશિષ અને દિકરી અંજલી છે.
સંગીતાબેન મકવાણાએ જણાવ્યું હતું કે ગઇકાલે બપોર પછી પોતે, પતિ જસમતભાઇ ઉર્ફે મનસુખભાઇ અને તેમના બે બાળકો વાડીએ આવેલા ઘરે હાજર હતા. આ દરમિયાન મનસુખભાઇ પોતાનું મોટરસાયકલ લઇને ઓરી ગામે સગા નાનાભાઇને ઇમિટેશનનું કામ આપવા માટે ગયા હતા. સાંજના આશરે સવા છ વાગ્યાની આસપાસ ગામના જ વિજયભાઇ દેવીપુજકે વાડીએ આવી સંગીતાબેનને જણાવ્યું કે ગામમાં રસાભાઇના મકાનની સામે અને કિશાન ટ્રેડર્સ દુકાન આગળ મનસુખભાઇ તથા ગામના જ રમેશ ઉર્ફે ભટુ જોગરાજીયા વચ્ચે જોરદાર ઝઘડો ચાલી રહ્યો છે.
આ માહિતી મળતા જ સંગીતાબેન તાત્કાલિક મોટરસાયકલ પર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં લોકોનું મોટું ટોળું એકઠું થયેલું હતું અને સિમેન્ટ રોડ પર લોહી વહી ગયું હતું. હાજર લોકોએ જણાવ્યું કે રમેશ ઉર્ફે ભટુએ મનસુખભાઇના માથાના ભાગે લોખંડનો પાઇપ મારી ગંભીર ઇજા પહોંચાડી છે અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને વિંછીયા સરકારી દવાખાને ખસેડાયા છે. સંગીતાબેન તેમના કાકાજી ઘુઘાભાઇ મકવાણા અને નણંદ વાલુબેન સાથે ઇકો ગાડીમાં તાત્કાલિક વિંછીયા સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. જો કે ત્યાં સ્ટ્રેચર પર લોહીલુહાણ હાલતમાં પડેલા મનસુખભાઇને ફરજ પરના તબીબે તપાસીને મળત જાહેર કર્યા હતા. માથાના ભાગે અતિ ગંભીર ઇજા થવાના કારણે મનસુખભાઇએ દમ તોડી દીધો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવવા માટે રાજકોટ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.
ઘટનાની જાણ થતાં વિંછીયા પોલીસે કાર્યવાહી કરી હતી. તપાસમાં હત્યા પાછળનું કારણ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. સંગીતાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી રમેશ ઉર્ફે ભટુ જોગરાજીયાએ વર્ષ ૨૦૨૪ માં મારા પતિ મનસુખભાઇ તથા સસરા માવજીભાઇ સાથે પાઇપ વડે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે વિંછીયા પોલીસ સ્ટેશનમાંગુનો નોંધાયો હતો. આ ફરિયાદ કર્યાનું મનદુઃખ રાખી આરોપી અવારનવાર ઘરે અને વાડીએ આવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. આ દરમિયાન હવે તક જોઇ રમેશ ઉર્ફે ભટુએ મારા પતિની હત્યા કરી નાંખી હતી.
વિંછીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.સી. ડામોર દ્વારા સંગીતાબેનની ફરિયાદના આધારે આરોપી રમેશ ઉર્ફે ભટુ લીંબાભાઇ જોગરાજીયા વિરૂધ્ધ ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ કરી હતી. ધોરણ ૫ાંચ સુધી ભણેલા સંગીતાબેને પોતાના પતિ અને બે માસુમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જેના કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. (૧૪.૫)
અગાઉ વાડીનું મકાન પણ ભટુએ સળગાવ્યાનો આક્ષેપ
ઞ્જહત્યાનો ભોગ બનનાર મનસુખભાઇના મૃતદેહનું રાજકોટ ખાતે પોસ્ટમોર્ટમ કરાવવાનું હોઇ સાથે આવેલા કુટુંબી, સગાએ જણાવ્યું હતું કે ૨૦૨૪માં ભટુએ મારામારી કરતાં કેસ થયો હોઇ ખા રાખી તે વારંવાર ધમકીઓ દઇ ડખ્ખા કરતો હતો. એક વખત તો મનસુખભાઇનું વાડીનું મકાન પણ સળગાવી દીધું હતું. તેમજ તેની પત્નિને ઉપાડી જવાની ધમકીઓ પણ ભટુ આપતો હતો. જો કે આક્ષેપોનો એફઆઇઆરમાં ઉલ્લેખ નથી.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
