News of Tuesday, 21st July 2026
મોરબીમાં શાકભાજી લેવા નીકળેલી પરિણીતા પર હુમલોઃ પગમાંથી ચાંદીના છડા લૂંટવાનો પ્રયાસ?
મુળ રતનપર વઢવાણની દીલાબેનને બે અજાણ્યાએ મોઢા પર મુક્કા, પથ્થર ફટકાર્યાઃ રાડારાડ કરતાં લોકો ભેગા થઇ જતાં બંને ભાગી ગયાઃ સારવાર માટે રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા. ૨૧: મોરબીમાં રેલ્વે સ્ટેશન નજીક સાંજે શાકભાજી લેવા માટે નીકળેલી મહિલાને બે અજાણ્યા શખ્સે આંતરી લઇ તેણીએ પગમાં પહેરેલા ચાંદીના છડા લૂંટી લેવાના ઇરાદે ઢીકાપાટુ અને પથ્થરથી માર મારતાં તેણીએ દેકારો મચાવતાં લોકો ભેગા થઇ જતાં આ શખ્સો ભાગી ગયા હતાં. મોરબી સારવાર લઇ આ મહિલા રાજકોટ દાખલ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
જાણવા મળ્યા મુજબ મોરબીમાં રેલ્વે સ્ટેશન પાસે નવાપરામાં ભાડાના મકાનમાં પતિ સાથે રહેતી દીલાબેન ભરતભાઇ પરમાર (ઉ.વ.૨૬) નામની પરિણીતા ગત સાંજે ઘર નજીક રેલ્વે સ્ટેશન પાસે શાકભાજી લેવા ગઇ હતી. ત્યાંથી પરત આવતી હોઇ થોડુ અંધારૂ થઇ ગયુ હતું. આ દરમિયાન રેલ્વે સ્ટેશન પાસે પહોંચી ત્યારે બે અજાણ્યા શખ્સો સામે આવી ગયા હતાં અને જે હોય તે આપી દેવા કહેતાં દીલાબેને પોતાની પાસે કંઇ નથી તેમ કહેતાં આ બંને શખ્સની નજર તેણીએ પગમાં પહેરેલા ચાંદીના છડા ઉપર પડતાં બંનેએ ચાંદીના છડા કાઢીને પોતાને આપી દેવાનું કહ્યું હતું.
પરંતુ દીલાબેન ના પાડતાં આ બંનેએ તેને પકડીને પછાડી દીધી હતી અને મોઢા પર મુક્કા, પથ્થરથી મુંઢ માર માર્યો હતો. એક શખ્સે બળજબરીથી તેના પગમાંથી છડા ખેંચવાનો પ્રયાસ કર્યો હતો પણ નીકળ્યા નહોતાં. દરમિયાન દીલાબેને બૂમાબૂમ કરતાં લોકો દોડી આવતાં આ બંને ભાગી ગયા હતાં. દીલાબેન અને તેના પતિ મુળ વઢવાણ રતનપરના વતની છે. હાલ મોરબી રહે છે. તેણીના પતિ ભરતભાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. લૂંટના પ્રયાસના આક્ષેપને પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે રેલ્વે પોલીસને જાણ કરતાં ખરેખર શું ઘટના બની? તેની તપાસ પોલીસે હાથ ધરી છે. હુમલો કરનારા બંને શખ્સો દેવીપૂજક જેવા લાગતાં હોવાનું પણ દીલાબેને કહેતાં પોલીસે તપાસ શરૂ કરી છે. (૧૪.૫)
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
