News of Sunday, 26th April 2026
ટીંબીની સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલને ₹1.15 કરોડનું માતબર દાન : નવો યુરોલોજી વિભાગ કાર્યરત થશે
મધુકંતા ગુણવંત શેઠ ચેરિટેબલ ટ્રસ્ટ-મુંબઈ દ્વારા માનવસેવાના કાર્યમાં આર્થિક સહયોગ : પ્રથમ હપ્તા પેટે ₹46 લાખ અર્પણ કરાયા

ટીંબી, ભાવનગર : ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામે આવેલી અને નિ:શુલ્ક આરોગ્ય સેવાઓ માટે જાણીતી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલને મુંબઈના એક દાતા પરિવાર દ્વારા આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. હોસ્પિટલ દ્વારા ચલાવવામાં આવતી નિ:શુલ્ક સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને મુંબઈના મધુકંતા ગુણવંત શેઠ ચેરિટેબલ ટ્રસ્ટ (MGS ટ્રસ્ટ) દ્વારા હોસ્પિટલમાં નવા યુરોલોજી વિભાગના ડેવલપમેન્ટ માટે કુલ 1 કરોડ 15 લાખ રૂપિયા જેવી માતબર રકમનું અનુદાન જાહેર કરવામાં આવ્યું છે.
એડવાન્સ અનુદાનની રકમ અર્પણ કરાઈ:
આ સેવાકાર્ય માટે મુંબઈના મુખ્ય ટ્રસ્ટીઓ શ્રી દીપકભાઈ શેઠ, શ્રી નિકુંજભાઈ શાહ તથા શ્રી યશભાઈ પારેખે હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી બી એલ રાજપરાનો સામેથી સંપર્ક કરીને આ સહાયની સંમતિ દર્શાવી હતી. જે અંતર્ગત તારીખ 24 એપ્રિલ 2026 ના રોજ પ્રથમ હપ્તા તરીકે 46 લાખ રૂપિયાની રકમ એડવાન્સ અનુદાન સ્વરૂપે પ્રાપ્ત થઈ છે. હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ દ્વારા આ ઉમદા કાર્ય બદલ દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
ટ્રસ્ટીઓની હોસ્પિટલ મુલાકાત:
તાજેતરમાં MGS ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી ખીમજીભાઈ દેવાણી તથા શ્રી બી એલ રાજપરાએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કર્યું હતું. મુલાકાત દરમિયાન દાતાઓને હોસ્પિટલના વિવિધ વિભાગો અને ત્યાં ચાલતી નિ:શુલ્ક સેવાકીય પ્રવૃત્તિઓથી સંપૂર્ણ માહિતગાર કરવામાં આવ્યા હતા. હોસ્પિટલનું મેનેજમેન્ટ અને દર્દીઓ પ્રત્યેની સેવાની ભાવના પ્રત્યક્ષ નિહાળીને ટ્રસ્ટીઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા.
આ નવા યુરોલોજી વિભાગના નિર્માણથી આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને ઘરઆંગણે જ અત્યાધુનિક અને નિ:શુલ્ક સારવાર ઉપલબ્ધ થશે, જે સમગ્ર પંથક માટે આશીર્વાદરૂપ સાબિત થશે. (અહેવાલ - મુકેશ પંડિત)
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
