News of Wednesday, 1st July 2026
કુવાડવા પાસે બંધ ટ્રક પાછળ બાઈક અથડાઇને ફંગોળાયું પછી કારની ઠોકરે ચડયું: હોમિયોપેથીક વિદ્યાર્થીનું મોત
કુવાડવાની આર્યવીર કોલેજમાં હોમિયોપેથીક વિભાગમાં અભ્યાસ કરતાં નિખિલ (ઉ.વ.૨૦)ને સારવાર માટે ખસેડાયો પણ દમ તોડી દીધોઃ તેના મોટા ભાઇ રાજકોટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છેઃ નિખીલ રાજકોટથી કુવાડવા કોલેજ ખાતે જતો હતો ત્યારે બનાવઃ મુળ કચ્છનો વતનીઃ પરિવારમાં-સાથી છાત્રોમાં શોકની કાલીમા

અકસ્માતમાં કાળનો કોળીયો બની જનાર કુવાડવાની આર્યવીર હોમિયોપેથી કોલેજનો આશાસ્પદ ૨૦ વર્ષિય વિદ્યાર્થી નિખીલ તથા ઘટના સ્થળના દ્રશ્યો જોઇ શકાય છે.
(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૧: કુવાડવા નજીક ટ્રક પાછળ બાઇક અથડાઇને ફંગોળાયા પછી આ બાઇક સહિત ચાલક કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ તેનું મૃત્યુ થયું હતું. અકસમાતમાં કાળનો કોળીયો બનેલો આ યુવાન મુળ કચ્છનો વતની હતો અને હાલ રાજકોટ તેના મોટા ભાઇ સાથે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહીને કુવાડવાની હોમિયોપેથી કોલેજમાં અભ્યાસ કરતો હતો. તે સવારે કોલેજ જવા નીકળ્યો ત્યારે આ કરૂણ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ રાજકોટથી કુવાડવા કોલેજમાં અભ્યાસ અર્થે બાઇક હંકારીને જઇ રહેલો વિદ્યાર્થી નિખિલ દશરથભાઇ બ્રાહ્મણ (ઉ.વ.૨૦) કુવાડવા વચ્ચે બંધ ઉભેલા ટ્રકમાં પાછળ અથડાઇ જતાં બાઇક સહિત ફેંકાઇ ગયો હતો. એ વખતે જ પાછળ કાર આવતી હોઇ તેની ઠોકરે પણ ચડી જતાં ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે લોહીખા ખાબોચીયા ભરાઇ ગયા હતાં. બનાવ સ્થળે લોકો ભેગા થઇ જતાં ૧૦૮ બોલાવી તુરત જ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.
આ અંગે નજરે જોનારાના જણાવ્યા મુજબ રાજકોટ કુવાડવા વચ્ચે કુવાડવા તરફ જવાના રસ્તા ઉપર જીજે-૧૧-ટીટી-૬૯૭૧ નંબરનો ટ્રક બંધ હાલતમાં રોડ ઉપર પડયો હતો. નિખિલ તેનું બાઈક નંબર જીજે-૧૨-ઇકે-૭૯૩૩ લઈ કોલેજે જતો હતો. આ દરમિયાન બંધ ટ્રક પાછળ નિખિલ અથડાયા બાદ ફંગોળાયો હતો. તે વખતે અજાણી કારે નિખિલને જોરદાર ટક્કર મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલતમાં ૧૦૮ મારફત નિખિલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
રાજકોટના અહેવાલ મુજબ અહિ નિખીલને તબિબે મૃત જાહેર કરતાં કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી. વધુ વિગતો મુજબ નિખિલ દશરથભાઈ હાલ રાજકોટ પીડિયુ મેડિકલ કોલેજ હોસ્ટેલમાં તેના મોટા ભાઇ પાર્થ સાથે રહેતો હતો. પાર્થ પીડીયુ મેડિકલ કોલેજમાં એમબીબીએસના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે. આ બંને ભાઇઓ મુળ કચછના વતની છે. નાના ભાઇ નિખિલનું અકસ્માતમાં મૃત્યુ થયાની જાણ થતાં ડો. પાર્થ તથા બીજા સાથી ઇન્ટર્ની તબિબો, મિત્રો ઇમર્જન્સી વોર્ડ ખાતે દોડી આવ્યા હતાં. બનાવની જાણ વતનમાં માતા-પિતાને કરવામાં આવતાં તેઓ પણ રાજકોટ આવવા રવાના થયા હતાં. નિખિલ કુવાડવા પાસે આવેલી આર્યવીર હોમિયોપેથી હોસ્પિટલમાં બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. સવારે કોલેજ વવા નીકળ્યો ત્યારે આ બનાવ બન્યો હતો. કુવાડવા પોલીસ સ્ટેશનના વૈભવભાઇ સહિતે વિશેષ કાર્યવાહી કરી હતી.
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
