<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ

પ્રજાકીય પ્રશ્નોના સમયબદ્ધ અને અસરકારક નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને દિશાનિર્દેશ : જમીન, માર્ગો, પાણી અને વિકાસકામો અંગે વિગતવાર ચર્ચા

(વીનું જોશી દ્વારા) જૂનાગઢ: જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી લીનાબેન કાવાણી તેમજ ધારાસભ્યઓ સંજયભાઈ કોરડિયા, અરવિંદભાઈ લાડાણી, દેવાભાઈ માલમ અને ગોપાલભાઈ ઇટાલીયાની ખાસ ઉપસ્થિતિ રહી હતી. બેઠકમાં પ્રજાકીય પ્રશ્નોના સકારાત્મક નિવારણ અર્થે ઊંડાણપૂર્વક ચર્ચા અને પરામર્શ કરવામાં આવ્યો હતો.

સંકલન સાધી પ્રશ્નો ઉકેલવા આદેશ:
બેઠક દરમિયાન જૂનાગઢ જિલ્લાના વિવિધ વિસ્તારોને સ્પર્શતા પ્રજાલક્ષી પ્રશ્નો તેમજ ચાલુ વિકાસલક્ષી કામગીરી અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે જનપ્રતિનિધિઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોને ઉકેલવા માટે વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર જરૂરી સંકલન જાળવીને પ્રજાલક્ષી પ્રશ્નોનું સમયબદ્ધ અને અસરકારક નિરાકરણ લાવવા તમામ અધિકારીઓને કડક આદેશ આપ્યા હતા.

જમીન, રસ્તા અને પીવાના પાણીના મુદ્દાઓ છવાયા:
આ બેઠકમાં જમીન સંબંધિત વિવિધ પ્રશ્નો જેવા કે જમીનની માપણી, હદ નિર્ધારણ, જમીનના દસ્તાવેજો અને પ્રોપર્ટી કાર્ડ સહિતના મહત્વના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ હતી. આ ઉપરાંત જાહેર માર્ગો પરથી દબાણો હટાવવા, નેશનલ હાઈવેની કામગીરી, નવી ગ્રામ પંચાયતોનું નિર્માણ તેમજ પીવાના પાણી પુરવઠા સહિતના પ્રશ્નો જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે સંલગ્ન અધિકારીઓએ પ્રશ્નોના નિવારણ અર્થે યોગ્ય પ્રત્યુત્તર પાઠવી તેના ઝડપી ઉકેલ માટે પરામર્શ કર્યો હતો.

ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ:
આ સંકલન બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠૌર, નાયબ વન સંરક્ષક અક્ષય જોષી અને પ્રશાંત તોમર, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી બી.એસ. બારડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ. જાડેજા સહિત જિલ્લા સંકલન સમિતિના સભ્ય અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(7:00 PM IST)