News of Saturday, 30th May 2026
ધોરાજી-ઉપલેટા પંથકમાં ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્રનું મેગા સર્ચ ઓપરેશન : ગેરકાયદેસર ખનીજ વહન કરતા ૬ ડમ્પર ઝડપાયા : રૂ. ૮૦ લાખનો મુદ્દામાલ સીઝ કરાયો
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની સૂચનાથી તંત્ર દ્વારા ખનીજ ચોરી ડામવા સંયુક્ત ચેકિંગ ઝૂંબેશ : હિતેશભાઈ ગઢવી, રવીરાજસિંહ ગોહીલ અને કુલદિપસિંહ વાળા સહિતના અધિકારીઓની ટીમે મોડી રાત્રે પાડેલા દરોડાથી ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ

કિશોર રાઠોડ દ્વારા, ધોરાજી: રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા પંથકમાં લાંબા સમયથી ચાલી આવતી ગેરકાયદેસર ખનીજ ચોરી અને વહનની પ્રવૃત્તિઓને જળમૂળથી ડામી દેવા માટે ખાણ અને ખનીજ વિભાગ તેમજ પોલીસ તંત્ર દ્વારા એક બહુમોટી સંયુક્ત ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવા માટે આપવામાં આવેલી ખાસ સૂચનાઓ અન્વયે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. તંત્રની આ આકસ્મિક અને આક્રમક કાર્યવાહીના પગલે સમગ્ર પંથકના ગેરકાયદેસર ખનીજ ખનન અને પરિવહન સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ હાઈ-પ્રોફાઈલ ચેકિંગ ઝૂંબેશને સફળ બનાવવા માટે રાજકોટ ખાણ ખનીજ વિભાગની કચેરીની એક ખાસ તજજ્ઞ ટીમ તૈયાર કરવામાં આવી હતી. આ ટીમમાં ખાણ ખનીજ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હિતેશભાઈ ગઢવી, રવીરાજસિંહ ગોહીલ તેમજ કુલદિપસિંહ વાળા સહિતના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા. આ અધિકારીઓએ સ્થાનિક પોલીસ પ્રશાસનને સાથે રાખીને ધોરાજી અને ઉપલેટાના મુખ્ય માર્ગો તેમજ નદી-નાળાના પટની આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં વહેલી સવારથી જ કડક વોચ ગોઠવી દીધી હતી અને શંકાસ્પદ વાહનોનું સઘન ચેકિંગ શરૂ કર્યું હતું.
આ ઓપરેશન અંગે રાજકોટ જિલ્લા ખાણ અને ખનીજ વિભાગના અગ્રણી અધિકારી હિતેશભાઈ ગઢવીએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ધોરાજી અને ઉપલેટા પંથકમાં વ્યાપક સ્તરે ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદો અને ગુપ્ત માહિતીઓ મળતી રહેતી હતી. જેને પગલે પોલીસ અને ખનીજ વિભાગની ટીમોએ વ્યુહાત્મક રીતે જાળ બિછાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સંયુક્ત ચેકિંગ દરમિયાન રોયલ્ટી પાસ વગર અથવા નિયમ કરતા વધુ માત્રામાં ગેરકાયદેસર ખનીજ ભરીને પસાર થઈ રહેલા કુલ ૬ જેટલા મોટા ડમ્પર વાહનોને તંત્ર દ્વારા સ્થળ પર જ આંતરીને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્રની સંયુક્ત કાર્યવાહી દરમિયાન પકડાયેલા તમામ છ ડમ્પર વાહનો અને તેમાં ભરેલા ગેરકાયદેસર ખનીજ સહિત કુલ રૂ. ૮૦ લાખની અંદાજિત કિંમતનો મુદ્દામાલ સ્થળ પર જ સીઝ (જપ્ત) કરી લેવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા તમામ વાહનોને હાલ પોલીસ સ્ટેશનની સુરક્ષિત કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે અને તમામ ડમ્પર માલિકો તથા ચાલકો સામે ખાણ-ખનીજ ધારાની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધીને દંડનીય તેમજ આગળની ધોરણસરની કાનૂની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
અધિકારીઓએ વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, આગામી દિવસોમાં પણ ધોરાજી, ઉપલેટા સહિત સમગ્ર રાજકોટ જિલ્લામાં ખનીજ ચોરી અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓને સદંતર રોકવા માટે આ પ્રકારની આકસ્મિક ચેકિંગ ઝૂંબેશ સતત ચાલુ રાખવામાં આવશે. સરકારી તિજોરીને નુકસાન પહોંચાડીને બિનઅધિકૃત રીતે કુદરતી સંપત્તિનું નિકંદન કાઢતા કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને તેમની સામે કડક રિકવરી સહિતની જેલભેગા કરવાની તજવીજ હાથ ધરાશે.
(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
