તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Friday, 26th June 2026
બોટાદના રાણપુર અને બરવાળા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : ખેડૂતોમાં ઉત્સાહ છવાયો
ચોમાસાના આ પ્રથમ સારા વરસાદથી સ્થાનિક નદી-નાળાઓમાં પણ નવા નીર આવ્યા

બોટાદ જિલ્લાના રાણપુર અને બરવાળા પંથકમાં લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સ્થાનિક વિસ્તારમાં લાંબા સમયથી વરસાદ ન હોવાને કારણે જગતનો તાત ચિંતામાં ડૂબેલો હતો. પરંતુ ગઈકાલે થયેલા સારા વરસાદને પગલે સમગ્ર પંથકના ખેડૂતોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાણપુર તાલુકાના કુંડલી, બૂબડી, રાજપરા, પાણવી, અલમપર અને ઉમરાળા સહિતના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે ધોધમાર વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને કુંડલી અને તેની આસપાસના વિસ્તારોમાં એવો જોરદાર વરસાદ ખાબક્યો કે ખેતરો અને રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. ચોમાસાના આ પ્રથમ સારા વરસાદથી સ્થાનિક નદી-નાળાઓમાં પણ નવા નીર આવ્યા છે.
બરવાળા શહેર ઉપરાંત તાલુકાના કાપડિયાળી, નાવડા અને ખમીદાણા જેવા ગામોમાં પણ સારો વરસાદ વરસ્યો છે. આ પંથકના ખેડૂતોએ અગાઉ કપાસ સહિતના ચોમાસુ પાકોનું વ્યાપક વાવેતર કરી દીધું હતું, પરંતુ વરસાદ ખેંચાતા પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી. આ મુશ્કેલ સમયમાં પડેલા વરસાદે સુકાતા પાક માટે સંજીવની જેવું કામ કર્યું છે અને કપાસના પાકને નવું જીવનદાન મળ્યું છે.
વરસાદના આ પ્રથમ રાઉન્ડે ખેડૂતોના સુકાતા પાકને ચોક્કસપણે બચાવી લીધો છે, જેથી ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, વાવેતર કરેલા પાકને સંપૂર્ણ રીતે પકવવા અને આગામી દિવસોમાં સારો ઉતારો મેળવવા માટે હજુ પણ વધુ અને નિયમિત વરસાદની જરૂર છે. આથી, પંથકના ખેડૂતો આગામી દિવસોમાં પણ મેઘરાજા કૃપા વરસાવતા રહે તેવી આશા રાખીને બેઠા છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
