News of Friday, 24th July 2026
કચ્છમાં મેઘાડંબર વચ્ચે વાગડ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : રાપરમાં પાંચ, ભચાઉમાં સાડા ત્રણ અને ગાંધીધામમાં એક ઈંચ વરસાદ
વાવણીલાયક વરસાદથી ખેડૂતો અને નાગરિકોમાં હરખની હેલી : ગ્રામ્ય વિસ્તારોની નદીઓ બંન્ને કાંઠે વહેતાં વાહન વ્યવહાર બંધ : અંજાર અને ભુજમાં પણ પોણો ઈંચ પાણી પડ્યું

(વિનોદ ગાલા) ભુજ: કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર ઝરમર વરસાદ સાથે એકંદરે મેઘાવી માહોલ છવાયેલો રહ્યો છે. પૂર્વ કચ્છના રાપર, ભચાઉ અને ગાંધીધામ પંથકમાં રાત્રિના સમયથી જ શરૂ થયેલો વરસાદી માહોલ સાંજના સમય સુધી યથાવત રહ્યો હતો. રાપર તાલુકામાં સૌથી વધુ પાંચ ઈંચ, ભચાઉમાં સાડા ત્રણ ઈંચ અને ગાંધીધામમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે અંજાર અને ભુજમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે. સમગ્ર કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે નાગરિકો અને ખેડૂતો મેઘરાજા મન મૂકીને વરસે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
ખેડૂતોમાં આનંદ - ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા હરખની હેલી વ્યક્ત કરાઈ:
રાપર તાલુકામાં ખેડૂતોએ વાવેતર માટે ખેતરો ખેડીને તૈયારી કરી રાખી હતી, પરંતુ વરસાદ ખેંચાતાં ચિંતા વ્યાપેલી હતી. દરમિયાન મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતો તથા પ્રજાજનોમાં આનંદ વ્યાપી ગયો હોવાનું ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.
ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ અંગે કલ્યાણપરના સરપંચ ભાવનાબેન પરબતભાઈ કારોત્રાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે કલ્યાણપર, સલારી, ફતેહગઢ અને શાનગઢ સહિતના ગ્રામ્ય પંથકમાં વાવણીલાયક ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયાના જણાવ્યા મુજબ ગેડી, ફતેહગઢ, માંજુવાસ અને થાનપર વિસ્તારમાં પણ ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
વાગડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ચારથી પાંચ ઈંચ વરસાદ:
રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના પ્રવાસેથી પરત ફરેલા ધારાસભ્યના કાર્યાલય મંત્રી વિનુભાઈ થાનકીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે રાપર, બાલાસર, ધબડા, મૌઆણા, બેલા, આણંદપર, વ્રજવાણી, દેશલપર, રવ, રામવાવ, ખેગારપર, ગવરીપર, આડેસર, માંજુવાસ, કુડા, લોદ્રાણી, નાગપુર, મોમાયમોરા, મોડા, કલ્યાણપર, નંદાસર, ખીરઈ, બાદરગઢ, ચિત્રોડ, ગાગોદર, મેવાસા, કાનમેર અને પલાંસવા સહિતના વિસ્તારોમાં ચારથી પાંચ ઈંચ જેટલો સાર્વત્રિક વરસાદ થયો છે.
બીજી તરફ, ખડીરના રતનપરના સરપંચ દશરથ આહિરના જણાવ્યા અનુસાર ખડીર પંથકના ધોરાવીરા, રતનપર, અમરાપર, જનાણ અને કલ્યાણપર વિસ્તારોમાં પણ બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
નદીઓ બંન્ને કાંઠે વહેતાં વાહન વ્યવહાર ઠપ:
રાપર તાલુકાના કુંડા, મોમાયમોરા અને મોડા વિસ્તારમાં મુશળધાર વરસાદના કારણે સ્થાનિક નદીઓ બંન્ને કાંઠે વહેતી થઈ હતી, જેના પગલે સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. વાગડ પંથકમાં પડેલા આ નોંધપાત્ર વરસાદથી સમગ્ર કચ્છમાં રાપર તાલુકો વરસાદના આંકડામાં આગળ રહ્યો છે. ખેડૂતો દ્વારા વાવણી માટેની પૂર્વતૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ઉઘાડ નીકળતાં જ વાવેતરની કામગીરી શરુ કરવામાં આવશે. (તસ્વીર - મુકેશ રાજગોર, રાપર)
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
