<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધીંગી મહેર: મોડા મંડાણ બાદ ૨૨ જળાશયોમાં નવા નીરની પધરામણી, ૫ ડેમ ઓવરફ્લો અને ૧૦થી વધુ જળાશયો હાઈએલર્ટ પર!

શેત્રુંજી ડેમ ત્રીજી વાર છલકાતાં ૩૦ દરવાજા ખોલાયા; રાજકોટના આજી-૧માં નવા નીરના શ્રીગણેશ થતાં જળસંકટ હળવું, ખેડૂતો અને લોકમન આનંદિત

રાજકોટ : ચોમાસાની વિલંબિત શરૂઆત બાદ અંતે સૌરાષ્ટ્રવાસીઓ જેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા તે મેઘરાજાએ પોતાની છાપરાફાડ કૃપાદ્રષ્ટિ કરી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે વાદળોની ધમાકેદાર જમાવટ સાથે સમગ્ર પંથકમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. આ વરસાડને પગલે રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળ આવતા રાજકોટ, મોરબી, દ્વારકા, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના ૨૨ જેટલા મુખ્ય જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં અડધા ફૂટથી લઈને ૬ ફૂટ સુધી નવા નીરની આવક નોંધાઈ છે.
રાજકોટવાસીઓની મુખ્ય જીવાદોરી સમાન આજી-૧ ડેમમાં પણ એકસાથે અડધો ફૂટ નવા નીરની પધરામણી થઈ છે. સૌથી વધુ આવક સુરેન્દ્રનગરના નિંભણી જળાશયમાં ૬ ફૂટ જેટલી નોંધાઈ છે. આ સિવાય જામનગરના ઉમિયાસાગરમાં ૧૦.૧૭ ફૂટ, ફુલઝરમાં ૯.૨૫ ફૂટ, રાજકોટના સોડવદરમાં ૯.૦૨ ફૂટ અને વેણુ-૨ માં ૬.૬૩ ફૂટ પાણીની ધીંગી આવક થઈ છે.
શેત્રુંજીના ૩૦ દરવાજા ખોલાયા, અનેક ડેમ ઓવરફ્લો
સૌરાષ્ટ્રનો સૌથી મહાકાય અને મોટો શેત્રુંજી ડેમ વર્તમાન મોસમમાં ત્રીજી વખત સંપૂર્ણ છલકાઈ ગયો છે, જેના કારણે ડેમના ૩૦ દરવાજા ૩ મીટર સુધી ખોલવાની ફરજ પડી છે. આ ઉપરાંત આજી-૨, ભાદર-૨, ડેમી-૧, મચ્છુ-૨, મચ્છુ-૩ અને વાંસલ ડેમના દરવાજા પણ પાણી છોડવા માટે ખોલી દેવાયા છે.
જળસપાટી ભયજનક સ્તરે પહોંચતા અમરેલીના ધાતરવાડી તથા ખોડિયાર, સુરેન્દ્રનગરનો વાંસલ, મહુવાનો રોજકી અને માલણ, ઉમરાળાનો રંધોળા તેમજ બોટાદનો ખંભાડા ડેમ ૯૦ ટકાથી વધુ ભરાઈ જતાં તંત્ર દ્વારા આ વિસ્તારોમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ધરતીપુત્રોના જીવમાં જીવ આવ્યો
સામાન્ય રીતે જૂનના મધ્યમાં ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા કૂવા અને બોરના તળિયા દેખાવા લાગ્યા હતા. પીવાના પાણીની સાથે ખેતીના પિયત માટે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા હતા. પરંતુ આ અમિદ્રષ્ટિથી નાના-મોટા ચેકડેમો પણ છલકાવા લાગ્યા છે, જેનાથી ભગર્ભ જળસ્તર ઊંચા આવશે અને ધરતીપુત્રોની પિયત અંગેની ચિંતા દૂર થશે. ઉપરવાસમાંથી હજુ પણ વિપુલ પ્રમાણમાં પાણીની આવક ચાલુ હોવાના અહેવાલો મળી રહ્યા છે.

(6:55 PM IST)