<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

ધ્રોલ પંથકમાં મેઘતાંડવઃ ૪ કલાકમાં ૨ ઇંચ ધોધમાર વરસાદથી પાકને નવજીવન, ભૂચર મોરીના લોકમેળામાં વરસાદી બ્રેક

હમાપર, ખીજડીયા સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અમીછાંટણાંથી ખેડૂતોમાં હર્ષોલ્લાસ; આજે ઉઘાડ નીકળે તો બપોર બાદ મેળો જામવાની આશા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૧૦: ધ્રોલ તાલુકા તેમજ આસપાસના ગ્રામ્‍ય પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ તોફાની એન્‍ટ્રી કરી છે. બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું હતું અને કાળાડિબાંગ વાદળોના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્‍યો હતો. ધ્રોલ શહેરમાં માત્ર ૪ કલાકના ટૂંકા ગાળામાં ૨ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

તાલુકાના હમાપર, ખીજડીયા, ઈટાળા, માનસર અને બીજલકા સહિતના ગામોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વરસાદ ખેંચાવાના કારણે ખેતરોમાં સુકાઈ રહેલા મોલને આ વરસાદથી નવું જીવનદાન મળ્‍યું છે.

બીજી તરફ, ધ્રોલના ઐતિહાસિક ભૂચર મોરી મેદાન ખાતે આયોજિત ત્રણ દિવસીય લોકમેળાનું ગઈકાલે નગરપાલિકા પ્રમુખના હસ્‍તે વિધિવત ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું તુરંત વરસાદ ખાબકતાં મેળો શરૂ થઈ શકયો નહોતો અને રંગમાં ભંગ પડ્‍યો હતો. આજે જો વરસાદ વિરામ લેશે, તો બપોર પછી ભૂચર મોરીના મેદાનમાં જનમેદની ઉમટશે અને મેળો પૂરા જોશ સાથે જામશે.

(1:20 PM IST)