News of Saturday, 30th May 2026
ધોરાજી વડોદરથી સોમનાથ ફરવા જઇ રહેલા મહેબુબનું વેરાવળ પાસે અકસ્માતમાં મોત
બે મિત્રો અન્ય બાઇકમાં હતાં: મહેબુબ એકલો હતોઃ સાયકલ સાથે અથડાતાં બનાવઃ રાજકોટમાં દમ તોડયોઃ એકના એક દિકરાના મોતથી પરિવારમાં માતમ

રાજકોટ તા. ૩૦: મિત્રો સાથે ધોરાજીથી સોમનાથ-વેરાવળ બાઇક પર ફરવા જવા માટે નીકળેલા યુવાનનું બાઇક અને સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા ગંભીર ઇજા થવાથી મોત થયું છે. સાયકલ ચાલકને પણ ઇજા પહોંચતી હતી.
જાણવા મળ્યા મુજબ ધોરાજીના વડોદર ગામે રહેતો મહેબુબ હબીબભાઈ સુમરા (ઉ.વ.૨૧) નામનો યુવક મિત્રો સાથે વેરાવળ સોમનાથ ફરવા જતો હતો ત્યારે વેરાવળ-સોમનાથ હાઇવે પર આવેલી ક્રિસ્ટલ સ્કૂલ નજીક પહોંચતા રોડ વચ્ચે અચાનક એક સાયકલ ચાલક આવી જતા બાઈક તેની સાથે અથડાતાં મહેબુબ અને સાયકલ ચાલક એમ બંને રોડ પર ફેંકાઇ જતાં બંનેને ઇજાઓ થઇ હતી. જેમાં મહેબુબને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે પ્રથમ વેરાવળ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અહિ રાત્રીના મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વેરાવળ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર યુવક ખેતીકામ કરતો હતો અને અપરણિત હતો. ગઈકાલે બે બાઇકમાં ત્રણ મિત્રો સોમનાથ વેરાવળ જતા હતા જેમાં મહેબૂબ એકલો પોતે બાઈક ચલાવતો હતો, બીજા મિત્રો અન્ય બાઇકમાં હતાં. ત્યારે રસ્તામાં આ અકસમાત નડયો હતો. એકના એક દિકરાના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
