News of Monday, 29th June 2026
ગુજરાતમાં ચોમાસું જામશે : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના વડા ડૉ. ધીમંત વાઘસિયાની આગાહી - આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા
જૂનાગઢ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 1થી 5 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી, જુલાઈના પહેલા સપ્તાહમાં સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, ખેડૂતોને ખેતીકાર્યો પૂર્ણ કરવા સૂચન, અંબાલાલ પટેલે પણ 28 જૂન બાદ સારા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું

જૂનાગઢ, તા. 29 : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ગ્રામીણ કૃષિ મૌસમ સેવા વિભાગના વડા ડૉ. ધીમંત વાઘસિયાએ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, રાજ્યમાં ચોમાસું હવે સક્રિય થયું છે અને આગામી 5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની માહિતી મુજબ જૂનાગઢમાં 30 જૂને વાવાઝોડા સાથે વરસાદ, 1 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન સતત વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. 1થી 4 જુલાઈ દરમિયાન 90% વરસાદની સંભાવના સાથે 70% સુધી ભેજ રહેશે. 1 જુલાઈએ 90% સંભાવના સાથે 3.6 મિમી અને 2 જુલાઈએ 90% સંભાવના સાથે 6 મિમી વરસાદ પડી શકે છે.
ડૉ. વાઘસિયાએ ખેડૂતોને સલાહ આપી છે કે, જે ખેડૂતોએ વાવણી કરી નથી તેમણે આગામી ભારે વરસાદને ધ્યાને રાખી વાવણી કાર્ય પૂર્ણ કરી લેવું. તેમજ ખુલ્લામાં પડેલા અનાજ-કઠોળને સુરક્ષિત સ્થળે ખસેડી લેવા સૂચન કર્યું છે.
દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, રાજ્યમાં 28 અથવા 29 જૂન બાદ સાર્વત્રિક વરસાદ પડી શકે છે. 28 જૂન બાદ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જુલાઈના પહેલા સપ્તાહમાં સારો વરસાદ વરસી શકે છે. 16 જુલાઈ બાદ વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની શક્યતા છે.
હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં અટકેલું ચોમાસું ફરી સક્રિય થઈ આગળ વધે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
