<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

મોરબીના કન્‍યા છાત્રાલય રોડ પર કીચડનું સામ્રાજ્‍ય

રાધેક્રિષ્‍ના સ્‍કૂલ પાસે ઘૂંટણ સમાણા પાણી ભરાયા, ૪ દિવસથી કોર્પોરેટર અને મેયરને રજૂઆત છતાં કોઈ જ ઉકેલ નહીં

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૮:મોરબી શહેરમાં ચોમાસાની સિઝનમાં અનેક વિસ્‍તારોમાં રોડ રસ્‍તાની બિસ્‍માર હાલત અને પાણી ભરાવાની સમસ્‍યાઓ સામે આવી રહી છે. મોરબીના વોર્ડ નં. ૯ માં આવેલ કન્‍યા છાત્રાલય રોડ પર સરદારનગર ૧ અને ૨ સોસાયટી પાસે હાલ જ્‍યાં જુઓ ત્‍યાં ગારા-કીચડનું સામ્રાજ્‍ય જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્‍થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

આ માર્ગ પરથી દરરોજ હજારોની સંખ્‍યામાં વિદ્યાર્થીઓ અને લોકો પસાર થાય છે. ખાસ કરીને રાધેક્રિષ્‍ના સ્‍કૂલ પાસે માર્ગ પર ઘૂંટણ સમાણા પાણી ભરાઈ ગયા છે. આ પરિસ્‍થિતિને કારણે પોતાના બાળકોને સ્‍કૂલે મુકવા જતી અનેક મહિલાઓને દરરોજ પારાવાર મુશ્‍કેલી પડી રહી છે. આ ઉપરાંત, આ માર્ગથી લઈને બાયપાસ સુધીનો આખો રોડ કાદવ-કીચડવાળો બની ગયો હોવાથી વાહનચાલકો પણ ભારે મુશ્‍કેલીનો સામનો કરી રહ્યા છે.

સ્‍થાનિકોની ધીરજ હવે ખૂટી રહી છે. છેલ્લા ૪ દિવસથી સતત સ્‍થાનિક કોર્પોરેટર અને મેયરને આ ગંભીર સમસ્‍યા અંગે ફોન પર રજૂઆતો કરવામાં આવી રહી છે. તેમ છતાં, પાલિકા તંત્ર કે પદાધિકારીઓ દ્વારા સમસ્‍યાનું કોઈ જ નિરાકરણ લાવવામાં આવ્‍યું નથી. લોકોની વારંવારની રજૂઆતો છતાં કોર્પોરેટર અને મેયર દ્વારા યોગ્‍ય કામગીરી ન કરાતા લોકોમાં વ્‍યાપક રોષ ફેલાયો છે. તંત્ર વહેલી તકે આ માર્ગ પરથી કાદવ-કીચડ દૂર કરાવે અને પાણીના નિકાલની યોગ્‍ય વ્‍યવસ્‍થા કરે તેવી લોકમાંગ ઉઠી છે.

(10:48 AM IST)