<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

સુરેન્દ્રનગરમાં હરિદ્વાર યાત્રાના નામે ૩૦૦થી વધુ શ્રદ્ધાળુઓ સાથે લાખોની છેતરપિંડી: આયોજકો ફરાર થતાં પોલીસ મથકે હોબાળો

વ્યક્તિદીઠ ૪,૨૦૦ રૂપિયા ઉઘરાવ્યા બાદ નક્કી કરેલી તારીખે પ્રવાસનું આયોજન ન થતાં યાત્રિકો રઝળી પડ્યા, નાણાં પરત મેળવવા અને જવાબદારો સામે કડક કાર્યવાહીની ઉગ્ર માંગ

સુરેન્દ્રનગર : ધર્મ અને આસ્થાના નામે લોકોની લાગણીઓ સાથે ચેડાં કરીને આર્થિક છેતરપિંડી આચરવામાં આવી હોવાની વધુ એક ચોંકાવનારી ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવી છે, જ્યાં હરિદ્વારની ધાર્મિક યાત્રાએ લઈ જવાના બહાને ૩૦૦થી વધુ શ્રદ્ધાળુઓ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવીને આયોજકો ફરાર થઈ ગયા હોવાનો આક્ષેપ થયો છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, સ્થાનિક એજન્ટો મારફતે હરિદ્વારના પ્રવાસ માટે યાત્રિકો પાસેથી વ્યક્તિદીઠ રૂપિયા ૪,૨૦૦ વસૂલવામાં આવ્યા હતા અને તમામને ૮ નવેમ્બરના રોજ યાત્રાએ લઈ જવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ નિર્ધારિત તારીખ નજીક આવતા જ આયોજકોના ફોન બંધ આવવા લાગ્યા હતા.

 

પ્રવાસનું કોઈ આયોજન ન થતાં અને પોતાની મહેનતની કમાણી ડૂબી જવાની ભીતિ સેવતા મોટી સંખ્યામાં ભોગ બનનાર યાત્રિકો ન્યાયની આશાએ સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા અને સમગ્ર છેતરપિંડી અંગે લેખિત તથા મૌખિક રજૂઆત કરી હતી.

 

યાત્રિકોના જણાવ્યા મુજબ, પોલીસ તંત્ર દ્વારા તેમને ૧૧ નવેમ્બર સુધીમાં સમગ્ર મામલાનો ઉકેલ લાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ આ સમયમર્યાદા વીતી જવા છતાં પણ શ્રદ્ધાળુઓને ન તો તેમના નાણાં પરત મળ્યા છે કે ન તો યાત્રાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે.

 

આ ગંભીર પ્રકરણમાં ભોગ બનનારા પરિવારોએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે પોલીસે આયોજકોને પકડ્યા બાદ કોઈ કારણસર છોડી મૂક્યા હતા, જોકે આ સમગ્ર બાબતે પોલીસ વિભાગ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી જેનાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

 

હાલમાં ૩૦૦થી વધુ શ્રદ્ધાળુઓ અને તેમના પરિવારો ભારે આર્થિક મૂંઝવણમાં મુકાયા છે, ત્યારે સમગ્ર નાણાકીય વ્યવહાર, એજન્ટોની ભૂમિકા અને મુખ્ય આયોજકો સામે તટસ્થ તપાસ કરીને યાત્રિકોને તેમના હકના નાણાં પરત અપાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.

(6:02 PM IST)