<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

કાલાવડના મોટાવડામાં દિકરીને જન્‍મ આપ્‍યાના ૨૦મા દિવસે માતાનું મોત

આરતીબેનને રાતે જમતી વખતે આંચકી ઉપડતાં બેભાન થયા બાદ રાજકોટમાં દમ તોડયોઃ કોટડીયા પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૧૫: કાલાવડના મોટા વડા ગામે રહેતાં મહિલાને રાતે જમતી વખતે આંચકી ઉપડતાં બેભાન જેવા થઇ જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્‍યુ થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. વીસ દિવસ પહેલા જ આ મહિલાએ દિકરીને જન્‍મ આપ્‍યો હતો જે મા વિહોણી થઇ ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ મોટાવડા ગામે રહેતાં આરતીબેન નિતીનભાઇ કોટડીયા (ઉ.વ.૨૮) રાતે સાડા આઠેક વાગ્‍યે જમવા બેઠા ત્‍યારે એકાએક આંચકી ઉપડતાં અર્ધબેભાન જેવા થઇ ગયા હતાં. તુરંત ડોક્‍ટરને બોલાવવામાં આવતાં તેમણે સારવાર માટે રાજકોટ લઇ જવા સલાહ આપી હતી. આરતીબેનને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ટુંકી સારવાર બાદ મોડી રાતે મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કાલાવડ તાલુકા પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર આરતીબેનના લગ્ન અઢી વર્ષ પહેલા થયા હતાં. તેના પતિ નિતીનભાઇ ઇલેક્‍ટ્રીકની દુકાન ચલાવે છે. વીસ દિવસ પહેલા જ તેણીએ દિકરીને જન્‍મ આપ્‍યો હતો. આ નવજાત દિકરીએ મા ગુમાવી દેતાં કોટડીયા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. મોતનું ચોક્કસ કારણ જાણવા કાલાવડ પોલીસે મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું. 

(11:36 AM IST)