News of Monday, 6th July 2026
જૂનાગઢમાં રોડ-રસ્તાની સ્થિતિને લઈ મનપા કમિશનર પ્રભવ જોષી એક્શનમાં :સમારકામના કામોનું રૂબરૂ નિરીક્ષણ કર્યું
શહેરીજનોની સુવિધા માટે અત્યાર સુધીમાં કુલ 14.7 કિલોમીટર જેટલા રસ્તાઓ પર મેટલિંગ પાથરીને તેને રિપેર કરવાની કામગીરી પૂર્ણ

જૂનાગઢ શહેરમાં રોડ-રસ્તાની હાલતને લઈને મહાનગરપાલિકા કમિશનર પ્રભવ જોષી હાલ અત્યંત આકરા પાણીએ જોવા મળી રહ્યા છે, જેના ભાગરૂપે તેમણે મનપાના વરિષ્ઠ અધિકારીઓની ટીમ સાથે રાખીને વિવિધ વિસ્તારોમાં રસ્તાના ચાલી રહેલા સમારકામના કામોનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. આ તપાસ અને સમીક્ષા દરમિયાન મનપા કમિશનરે માહિતી આપતાં જણાવ્યું હતું કે શહેરીજનોની સુવિધા માટે અત્યાર સુધીમાં કુલ 14.7 કિલોમીટર જેટલા રસ્તાઓ પર મેટલિંગ પાથરીને તેને રિપેર કરવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.
આ ઉપરાંત, વાહનવ્યવહારમાં નડતરરૂપ થાય તેમજ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવા અતિ જોખમી 120 જેટલા વૃક્ષોને પણ રસ્તા પરથી સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, ત્યાં તાત્કાલિક નિકાલ માટે 35 જેટલા મેનહોલ તેમજ ડીવોટરિંગ પંપની સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. કમિશનર પ્રભવ જોષીએ પોતાના સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે શહેરીજનોને કોઈ પણ પ્રકારની હાલાકી કે તકલીફ ન પડે તે માટે મનપા પ્રશાસન દ્વારા તમામ જરૂરી અને સઘન પ્રયાસો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
