News of Thursday, 25th June 2026
જામનગરના શરૂ સેક્શન રોડ પર ૮૦ વર્ષીય વૃદ્ધની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો : ગણતરીના કલાકોમાં હત્યારા સાગર વસરાને દબોચી લેતી સીટી સી ડિવિઝન પોલીસ : જુઓ વિડીયો
મશ્કરી કરવાના મામલે ઉશ્કેરાયેલા યુવાને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી વૃદ્ધ દેવાયતભાઈ વરોતરિયાને મોતને ઘાટ ઉતાર્યા : જામનગર ગ્રામ્યના ડીવાયએસપી પિયુષ વાંદાએ આપી સત્તાવાર માહિતી

(મુકુંદ બુંદીયાણી દ્વારા)જામનગર:જામનગર શહેરમાં ગઈકાલે મોડી રાત્રે એક લોહિયાળ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં શરૂ સેક્શન રોડ વિસ્તારમાં એક ૮૦ વર્ષીય વૃદ્ધની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ સનસનાટીભર્યા હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જો કે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક સીટી સી ડિવિઝન પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને સઘન તપાસનો દોર શરૂ કર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યાકાંડના ગુનામાં સંડોવાયેલા હત્યારા શખ્સને ઝડપી પાડી કાયદાના સિંજામાં લીધો છે.
**સામાન્ય મશ્કરી અને મસ્તી કરવાનું મામલે ખેલાયો લોહિયાળ ખેલ**
પોલીસની પ્રાથમિક તપાસમાં આ કરપીણ હત્યા પાછળનું જે કારણ સામે આવ્યું છે તે અત્યંત ચોંકાવનારું છે. સામાન્ય બાબતમાં મસ્તી કે મશ્કરી કરવાના મામલે ઉશ્કેરાઈને આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. શરૂ સેક્શન રોડ પરથી પસાર થઈ રહેલા ૮૦ વર્ષીય વૃદ્ધ દેવાયતભાઈ વરોતરિયા (વારોતરીયા) પર એક શખ્સે અચાનક તીક્ષ્ણ હથિયાર વડે હિંસક હુમલો કરી દીધો હતો. હુમલાખોરે વૃદ્ધ પર એકપછી એક ઘા ઝીંકતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
**હત્યા કરી નાસી છૂટેલા સાગર વસરાને પોલીસે દબોચ્યો**
આ ચકચારી બનાવની જાણ થતાં જ જામનગર પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી. હુમલો કર્યા બાદ હત્યારો ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હોવાની વિગતો મળતાં જ સીટી સી ડિવિઝન પોલીસે હત્યારાને પકડી પાડવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા. સીટી સી ડિવિઝન વહીવટી સ્ટાફે સચોટ બાતમીના આધારે આ ઘાતકી હત્યામાં સંડોવાયેલા સાગર મારખીભાઈ વસરા નામના શખ્સની શોધખોળ કરીને તેને દબોચી લીધો હતો અને તેની સત્તાવાર ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
**જામનગર ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદાએ આપી વિગતો**
આ ગુના અંગે સત્તાવાર માહિતી આપતા જામનગર ગ્રામ્યના ડીવાયએસપી પિયુષ વાંદાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં મશ્કરી કરવા જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ ગયેલા યુવાને આ ઘાતકી હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધીને આરોપી સાગર મારખીભાઈ વસરાની અટકાયત કરી લીધી છે અને તેની વધુ પૂછપરછ સાથે કાયદાકીય કલમો હેઠળ આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
