News of Tuesday, 8th September 2026
જાળિયાના શ્રી શિવકુંજ આશ્રમમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે શિવવંદનાનો ત્રિવેણી સંગમ : જુઓ વિડીયો
શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં વિવિધ યજ્ઞો, મહારુદ્ર અભિષેક, વૃક્ષારોપણ અને રોપા વિતરણ સહિતના ભક્તિમય આયોજનો : ધાર્મિક, સામાજિક અને રાજકીય મહાનુભાવો સહભાગી થયા

જાળિયા:ગોહિલવાડ સ્થિત શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રકૃતિ અને સંસ્કૃતિના સુમેળ સાથે શિવવંદના અને આરાધનાનો વિશેષ ઉપક્રમ યોજાઈ રહ્યો છે. સનાતન સંસ્કૃતિ અને ઉપાસના પદ્ધતિમાં શિવજી તથા શ્રાવણ માસનું મહાત્મ્ય અત્યંત વિશેષ રહેલું છે, જેને અનુલક્ષીને શ્રી વિશ્વાનંદ માતાજીના નેતૃત્વ અને સાનિધ્યમાં ભૂદેવો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ ધાર્મિક મહોત્સવમાં જોડાયા છે.
આશ્રમ પરિસરમાં વિશ્વ કલ્યાણના અર્થ સાથે સોમનાથ મહાદેવની શાસ્ત્રોક્ત પૂજન વિધિ અને સત્સંગ સંકીર્તન ચાલી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસ પ્રસંગે શ્રી વિશ્વાનંદ માતાજીની પ્રેરણાથી ગણેશ યજ્ઞ, વિષ્ણુ યજ્ઞ, નવચંડી યજ્ઞ, ભૈરવ યજ્ઞ અને મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભૂદેવો દ્વારા વિધિવત આહુતિઓ અર્પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ભૂદેવો અને ભાવિકો દ્વારા મહારુદ્ર અભિષેકનો ભક્તિભાવપૂર્વક લાભ લેવામાં આવી રહ્યો છે.
ધાર્મિક અનુષ્ઠાનોની સાથે પ્રકૃતિ જતનનો સંદેશ આપતા આશ્રમ ખાતે વૃક્ષારોપણ તેમજ રોપા વિતરણનો સુંદર કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આરાધનામાં જોડાતા ભાવિકોને આશરે ૧૨૫ જેટલા વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેથી પર્યાવરણની સુરક્ષા સાથે પ્રકૃતિ પૂજનનો સંકલ્પ સાકાર થઈ શકે.
શ્રાવણ માસ દરમિયાન ચાલી રહેલા આ ભક્તિમય અને સામાજિક ઉપક્રમમાં વિવિધ ધાર્મિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહીને દર્શનાહાન મેળવી રહ્યા છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ભૂદેવોની સાથે ગ્રામજનો, આશ્રમના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉત્સાહભેર સેવાઓ આપી રહ્યા છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
