<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

નિલેષે ઘરે આવીને માતાને કહ્યું-મેં સોડામાં ઝેરી દવા ભેળવીને પી લીધી છેઃ સારવારમાં મોત

ગોંડલનો બનાવઃ ૧૯ વર્ષના યુવાને સારવારમાં રાજકોટમાં દમ તોડયોઃ પરમાર પરિવારમાં શોક

 

રાજકોટ તા. ૧: યુવાનો અકળ કારણોસર કે અલગ અલગ કારણોસર જિંદગી ટુંકાવી લેતાં હોવાના બનાવ વધી ગયા છે. ગોંડલમાં ૧૯ વર્ષના એક યુવાને સોડામાં ઝેરી દવા ભેળવી પી લઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલમાં જેતપુર રોડ પર વૃંદાવન સોસાયટી-૫ શેરી નં. ૩માં રહેતાં નિલેષ રવજીભાઇ પરમાર-કોળી (ઉ.વ.૧૯) નામના યુવાને ગઇકાલે ઝેર પી લેતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગોંડલ બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર નિલેષ ત્રણ ભાઇમાં નાનો હતો અને ડ્રાઇવીંગ કરી પરિવારને મદદરૂપ થતો હતો. તેના પિતા રવજીભાઇ પણ ડ્રાઇવીંગ કરે છે. નિલેષના માતા શોભનાબેને કહ્યું હતું કે-ગઇકાલે નિલેષ બહારથી ઘરે આવ્‍યો હતો અને મને કહ્યું હતું કે-હું સોડામાં ઝેરી દવા ભેળવીને પી ગયો છું. આ પછી તે ઉલ્‍ટીઓ કરવા માંડતાં અમે તુરત ગોંડલ અને બાદમાં રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પણ અહિ સારવારમાં મૃત્‍યુ થયું હતું.

 નિલેષને આપઘાત કરવો પડે તેવુ કોઇ કારણ નહિ હોવાનું માતાએ કહ્યું હતું. તેને પૈસાનું કે બીજુ કોઇ ટેન્‍શન પણ નહોતું.  તેણે આપઘાત શા માટે કર્યો તેનાથી પરિવારજનો અજાણ હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. યુવાન દિકરાના આ પગલાથી પરમાર પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે.

(11:07 AM IST)