News of Friday, 1st May 2026
નીલેશ રૈયાણી હત્યા કેસ: જયરાજસિંહ જાડેજા પર જામીનની શરત ભંગનો ગંભીર આરોપ: CCTV ફૂટેજ તપાસવા IGને લેખિત અરજી
પોલીસ સ્ટેશનનું હાજરી રજિસ્ટર તેમના નિવાસસ્થાને મંગાવવામાં આવે છે અને તેઓ ઘરે બેઠા જ સહીઓ કરી રહ્યા છે

રાજકોટ જિલ્લાના ગોંડલના ચકચારી નીલેશ રૈયાણી હત્યા કેસમાં ફરી એકવાર નવો વળાંક આવ્યો છે. આ કેસના મુખ્ય આરોપી અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે સુપ્રીમ કોર્ટ દ્વારા લાદવામાં આવેલી જામીનની શરતોનો ભંગ કરવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. આ મામલે ફરિયાદી પક્ષ દ્વારા રેન્જ આઈજીને લેખિત અરજી આપી તપાસની માંગ કરવામાં આવી છે.
ફરિયાદીના દાવા અનુસાર, જયરાજસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે જામીન આપતી વખતે પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવાની શરત મૂકી હતી. જોકે, એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જયરાજસિંહ પોલીસ સ્ટેશનમાં હાજર થવાને બદલે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. આરોપ છે કે પોલીસ સ્ટેશનનું હાજરી રજિસ્ટર તેમના નિવાસસ્થાને મંગાવવામાં આવે છે અને તેઓ ઘરે બેઠા જ સહીઓ કરી રહ્યા છે. આ પ્રકારની કાર્યવાહી સુપ્રીમ કોર્ટના આદેશોનો સરેઆમ ભંગ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
વધુમાં, ફરિયાદીએ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે. આ આક્ષેપોની સત્યતા ચકાસવા માટે પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની માંગ કરવામાં આવી છે. જો આ ફૂટેજની તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે કે પૂર્વ ધારાસભ્ય કયા સમયે પોલીસ સ્ટેશન આવ્યા હતા અને કયા સમયે રજિસ્ટરમાં સહી થઈ હતી. આ મામલો હવે હાઈપ્રોફાઈલ બન્યો છે અને જો શરતોનો ભંગ સાબિત થાય, તો જયરાજસિંહના જામીન રદ થવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી. હાલમાં આ અરજીને પગલે પોલીસ વિભાગમાં અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
