News of Monday, 28th September 2026
દારૂને "ના", દારૂ પીનારને "ના" : કચ્છના ફતેહગઢમા દારૂબંધી માટે ગ્રામજનોનો કડક સંકલ્પ
દારૂ વેચનારને રૂ.૨૧ હજાર અને સેવન કરનારને રૂ.૧૧૦૦ દંડ; દંડ નહીં ભરે તો સામાજિક બહિષ્કારનો નિર્ણય

(વિનોદ ગાલા દ્વારા ભુજ) કચ્છના રાપર તાલુકાના ફત્તેહગઢ ગામે દારૂના વેચાણ અને સેવન અંગે અનેક ગામોને રાહ ચીંધતું પગલું ભર્યું છે. દારૂના કારણે સામાજિક વાતાવરણ તેમજ યુવાનોના ભવિષ્ય પર નકારાત્મક અસર ન પડે તે માટે ગ્રામજનોએ એક થઈને દારૂબંધીનો અમલ કરવાનો કડક સામૂહિક નિર્ણય લીધો છે. ગ્રામજનોની બેઠકમાં ગામમાં દારૂનું વેચાણ અને સેવન સંપૂર્ણપણે બંધ રાખવાનો ઠરાવ સર્વાનુમતે કરવામાં આવ્યો છે.
ગામમાં નક્કી કરાયેલા નિયમ મુજબ કોઈ વ્યક્તિ દારૂનું વેચાણ કરતા ઝડપાશે તો તેની પાસેથી રૂ.૨૧,૦૦૦ નો દંડ, જ્યારે દારૂનું સેવન કરતા વ્યક્તિ પાસેથી રૂ.૧૧૦૦ નો દંડ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રામજનો દ્વારા દારૂબંધીના નિયમોનો કડક અમલ કરવાની વાત પણ સ્પષ્ટ કરવામાં આવી છે. આ નિર્ણયમાં વધુ એક મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે. જો દારૂ વેચતા કે દારૂનું સેવન કરતા પકડાયેલી વ્યક્તિ નક્કી કરાયેલો દંડ ભરવાનો ઇનકાર કરે તો તેની સાથે સામાજિક વહેવાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ, ગ્રામજનોએ દારૂ સામે માત્ર વિરોધ નહીં, પરંતુ સામૂહિક રીતે વ્યસનમુક્ત વાતાવરણ ઊભું કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ દારૂબંધી પાછળનો મુખ્ય હેતુ ગામમાં દારૂના કારણે ઊભી થતી સામાજિક સમસ્યાઓને અટકાવવાનો, યુવાનોને વ્યસનથી દૂર રાખવાનો અને ગામમાં શાંતિપૂર્ણ તથા સ્વસ્થ વાતાવરણ જાળવવાનો છે.
‘વ્યસનમુક્ત યુવા, સ્વસ્થ પરિવાર અને સુખી સમાજ’ના સંદેશ સાથે ફતેહગઢ ગામે લીધેલો આ સામૂહિક નિર્ણય સામાજિક જાગૃતિનું ઉદાહરણ બન્યો છે. જોકે, આ નિર્ણયના વાસ્તવિક અમલ અને અસરકારકતા ગ્રામજનો માટે પડકારરૂપ રહેશે. પરંતુ આપણી ભાવિ પેઢીના હિત માટે સામાજિક જાગૃતિ જ દારૂ ના વ્યસન સામે એક મોટું નિર્ણયકર્તા પરિબળ છે એ વાસ્તવિકતા સ્વીકારીશું તો દારૂબંધીનો અમલ વધુ સારી રીતે થઈ શકશે એ હકીકત છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
