News of Thursday, 18th June 2026
જામનગરમાં ચોમાસાની શરૂઆત પહેલાના સામાન્ય વરસાદે જ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન તૈયારીઓની પોલ ખોલી નાખી : નીચાણવાળા વિસ્તારો-મુખ્ય માર્ગો પર પાણી ભરાવાથી જનજીવન પ્રભાવિત
મહાનગરપાલિકાના મુખ્ય પ્રવેશદ્વાર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા નાગરિકોને ભારે હાલાકી : ચોમાસા પૂર્વે કરોડોની સફાઈ અને ડ્રેનેજ વ્યવસ્થાના દાવાઓ સામે શહેરીજનોએ ઉઠાવ્યા ગંભીર સવાલો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૮ : જામનગર શહેરમાં ચોમાસાની ઔપચારિક શરૂઆત થાય તે પહેલાં જ પડેલા હળવા વરસાદે મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે હાથ ધરવામાં આવેલી પ્રિ-મોન્સૂન કામગીરીની વાસ્તવિકતા સામે મોટો પ્રશ્નચિન્હ ઉભો કરી દીધો છે. આજે શહેરમાં પડેલા સામાન્ય વરસાદ બાદ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો, રહેણાંક સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવા છતાં શહેરમાં પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ અને ડ્રેનેજ વ્યવસ્થાની ઉણપ સ્પષ્ટપણે જોવા મળી હતી.
સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો જામનગર મહાનગરપાલિકાનો મુખ્ય પ્રવેશદ્વાર. કચેરીમાં પ્રવેશ માટે આવતા અરજદારો, મુલાકાતીઓ અને કર્મચારીઓને પાણીમાંથી પસાર થઈને અંદર જવું પડ્યું હતું. જે વિભાગ આખા શહેરમાં પાણીના નિકાલ, ગટર સફાઈ અને ચોમાસા પૂર્વેની તૈયારીઓ માટે જવાબદાર છે, તેની જ કચેરીની બહાર પાણી ભરાઈ જતા લોકોમાં આશ્ચર્ય અને નારાજગીની લાગણી ફેલાઈ હતી. ઘણા લોકોએ કહ્યું કે જ્યારે મહાનગરપાલિકાની કચેરીની બહાર જ આ સ્થિતિ છે તો શહેરના અન્ય વિસ્તારોની શું દશા હશે.
શહેરના બેડી, ગોકુલનગર, પંચકોશી રોડ, મોટી બેન અને પટેલ કોલોની સહિતના અનેક વિસ્તારોમાં પણ ગટર અને ડ્રેનેજ લાઇનની યોગ્ય સફાઈ ન થવાના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. પરિણામે વાહનચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવું પડ્યું હતું અને રાહદારીઓને પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. કેટલાક સ્થળોએ વાહનો બંધ પડવાના કિસ્સા પણ સામે આવ્યા હતા.
સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે દર વર્ષે ચોમાસા પૂર્વે મહાનગરપાલિકા દ્વારા લાખો અને કરોડો રૂપિયાની પ્રિ-મોન્સૂન કામગીરીના મોટા દાવા કરવામાં આવે છે. ગટરની સફાઈ, નાળા પહોળા કરવા, પમ્પિંગ સ્ટેશન તૈયાર કરવા જેવી કામગીરીના ફોટા અને આંકડા જાહેર કરવામાં આવે છે. પરંતુ પ્રથમ વરસાદમાં જ જો શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય તો આટલા ખર્ચ પછી પણ કામગીરી કેટલી અસરકારક રહી તે અંગે ગંભીર પ્રશ્નો ઉભા થાય છે.
હાલ તો ચોમાસાની સીઝનનો આરંભ જ થયો છે અને હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જો સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી હોય તો ભારે વરસાદ દરમિયાન પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે. તેના કારણે પાણી ભરાવા ઉપરાંત ટ્રાફિક જામ, રોગચાળો ફાટી નીકળવા અને જનજીવન ખોરવાઈ જવાની આશંકા નાગરિકોએ વ્યક્ત કરી છે.
પ્રથમ વરસાદે જ ઉભા કરેલા આ પ્રશ્નો બાદ શહેરજનોએ મહાનગરપાલિકાને માંગ કરી છે કે બાકી રહેલી પ્રિ-મોન્સૂન કામગીરી તાત્કાલિક યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવામાં આવે અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવામાં આવે. હવે આગામી દિવસોમાં મહાનગરપાલિકા કેવી કામગીરી કરે છે તેના પર જ લોકોના સવાલોના જવાબ નિર્ભર રહેશે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
