News of Saturday, 28th November 2026
ગોંડલમાં દુકાનમાં ઘૂસી તેલના વેપારીની નિર્મમ હત્યા: બાઈક લઈ આરોપીઓ ફરાર, CCTV ફૂટેજના આધારે તપાસ
ચુનારા શેરીમાં 61 વર્ષીય ભરતભાઈ ડાભી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો; ફોરેન્સિક PM માટે મૃતદેહ રાજકોટ ખસેડાયો, જિલ્લામાં નાકાબંધી

ગોંડલ : ગોંડલ શહેરની ચુનારા શેરીમાં આવેલી તેલની દુકાનમાં ઘૂસીને અજાણ્યા શખ્સોએ 61 વર્ષીય વેપારી ભરતભાઈ નાનભા ડાભીની મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે, જ્યારે હત્યા બાદ તેમનું હોન્ડા સ્પ્લેન્ડર બાઈક પણ ગાયબ હોવાનું જાણવા મળ્યું છે. ગત રાત્રે પોણા બાર વાગ્યાની આસપાસ બનેલા આ બનાવ અંગે ગોંડલ એ-ડિવિઝન પોલીસે લૂંટ કે અન્ય કારણ સહિતના પાસાઓ પર તપાસ શરૂ કરી છે.
રામ મંદિર પાસેની અરુણ કોલોનીમાં રહેતા અને ચુનારા શેરીમાં 'મહાવીર ટ્રેડર્સ' નામે 40 વર્ષથી તેલનો વ્યવસાય કરતા ભરતભાઈ દરરોજ રાત્રે 10 વાગ્યે દુકાન બંધ કરીને ઘરે જતા હતા, પરંતુ ગત રાત્રે 11:30 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રહેતાં પડોશીઓને શંકા ગઈ હતી અને તપાસ દરમિયાન તેઓ લોહીલુહાણ હાલતમાં મૃત મળ્યા હતા.
બનાવની જાણ થતાં એ-ડિવિઝન પોલીસ PI જાડેજા સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો, અને દુકાનની અંદર CCTV ન હોવાથી બહાર તથા આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ કબજે કરીને આરોપીઓનું પગેરું મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મૃતકને સંતાનમાં ધોરણ 10માં અભ્યાસ કરતો 16 વર્ષનો પુત્ર છે, અને ગુર્જર રાજપૂત સમાજના અગ્રણી વેપારીની હત્યાના બનાવથી વેપારી આલમમાં ભય અને રોષની લાગણી ફેલાઈ છે.
ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ રાજકોટ ગ્રામ્ય SP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે વેપારીની હત્યા ચાકુના ઘાથી થઈ હોવાનું જણાય છે, પરંતુ પહેરેલા સોનાના દાગીના સલામત હોવાથી લૂંટના ઈરાદે જ હત્યા થઈ છે કે કેમ તે હાલ ચોક્કસ કહી શકાય નહીં.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
