News of Tuesday, 8th September 2026
હાજીપીર સલામ ભરી વળતા માળિયાના પરિવારને ગાંધીધામ પાસે અકસ્માતઃ એકનું મોત પાંચને ઇજા
રોંગ સાઇડથી આવતા કારચાલકે રિક્ષાને ઉડાડી, અકસ્માત બાદ કારચાલક ફરાર

(વિનોદ ગાલા દ્વારા) (ભુજ) તા.૮: કચ્છના અંજાર ગાંધીધામ હાઈવે ઉપર મોડવદર-ગળપાદર પાટિયા નજીક રોંગ સાઈડમાં પૂરઝડપે આવી રહેલી ક્રેટા કારે મુસાફરોથી ભરેલી રિક્ષાને જોરદાર ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષામાં સવાર એક વૃદ્ધ મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય પાંચ મુસાફરોને ગંભીર સહિતની ઇજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર માળિયાનો પરિવાર રિક્ષામાં સવાર થઈને હાજીપીર દાદાને સલામ ભરી પરત ફરી રહ્યો હતો. દરમિયાન મોડવદર ગામ નજીક સામેથી રોંગ સાઈડમાં પૂરઝડપે આવી રહેલી ક્રેટા કારના ચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા અને તેમાં સવાર મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્મતમાં આઈસાબેન ઉમરદિન સંઘવાણીનું મોત નીપજ્યું હતું. જ્યારે ઝુબેદા અબ્દુલગફાર, બેનઝીર સલીમ, મુસ્તાક નજીર મોહમ્મદ, તનવીર સલીમ સહિત પાંચ લોકોને નાની-મોટી તેમજ ગંભીર ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્મત બાદ ક્રેટા કારચાલક પોતાની કાર ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં અંજાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે ગુનો નોંધી ફરાર કારચાલકને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા સમગ્ર બનાવ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
