<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

મોરબીમાં 'ધ ઓરીઓ સ્પા' પર SOG નું ચેકિંગ: જાહેરનામા ભંગ બદલ સંચાલક સામે ગુનો દાખલ.

દાઉદી પ્લોટમાં આવેલા સ્પામાં બે મહિલા કર્મીઓની પોલીસમાં નોંધણી ન કરાવતા અને CCTV રેકોર્ડિંગ ન રાખતા લેવાયા કડક પગલાં.

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબી શહેરમાં સ્પા અને મસાજ પાર્લરને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનું કડક પાલન કરાવવા પોલીસ એક્શનમાં આવી છે. મોરબી SOG ની ટીમે દાઉદી પ્લોટ વિસ્તારમાં આવેલા 'ધ ઓરીઓ સ્પા' માં ચેકિંગ હાથ ધરીને જાહેરનામાનો ભંગ કરતા સ્પા સંચાલક સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, 10/10/2026 ના રોજ મોરબી SOG ના કોન્સ્ટેબલ કમલેશભાઈ કરશનભાઈ ખાંભલીયા સહિતની ટીમ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન દાઉદી પ્લોટ શેરી નં. 2 માં આવેલી ઓફિસ નં. 1 માં ધમધમતા 'ધ ઓરીઓ સ્પા' માં અચાનક ચેકિંગ કરવામાં આવ્યું હતું. સ્પાના રિસેપ્શન પર હાજર રહેલા મૂળ ત્રિપુરાના (પુરબા માલબંસા, ગોમતિ) વતની અને હાલ મોરબીમાં કાલિકા પ્લોટ, રાજકોટ નાગરિક બેન્ક વાળી શેરીમાં રહેતા સ્પા સંચાલક પબનજોય વાસુદેવ તિપરા (ઉ.વ. 28) ની સઘન પૂછપરછ કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, સ્પા સંચાલક પબનજોય તિપરાએ પોતાના સ્પામાં કામ કરતી 2 સ્પા વર્કરના બાયોડેટા ફોર્મ ભરીને પોલીસ સ્ટેશનમાં તેની નોંધણી કરાવી ન હતી. આ ઉપરાંત, સ્પામાં લગાવેલા CCTV કેમેરાનું રેકોર્ડિંગ પણ નિયમ મુજબ સાચવવામાં આવ્યું ન હતું. આમ, મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટના સ્પા અને પાર્લર અંગેના જાહેરનામાનો સ્પષ્ટ ભંગ થતો જોવા મળ્યો હતો.
આ મામલે SOG પોલીસે સ્થળ પર પંચનામું કરી સ્પા સંચાલક પબનજોય વાસુદેવ તિપરા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 223 મુજબ ગુનો દાખલ કરાવ્યો છે અને આરોપીને નોટિસ આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સંજય કાનાભાઈ બાલાસરા ચલાવી રહ્યા છે

(6:55 PM IST)