News of Tuesday, 19th May 2026
કચ્છના રતનાલના ગ્રામજનોમાં આક્રોશ:અવારનવાર અકસ્માતોથી કંટાળી બાયપાસ હાઈવે કર્યો ચક્કાજામ
છેલ્લા માત્ર ચાર જ દિવસમાં અહીં સર્જાયેલા જુદા-જુદા અકસ્માતોમાં ત્રણ માસૂમ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે રોષ વ્યાપી ગયો

કચ્છના અંજાર તાલુકાનું રતનાલ ગામ આજે સવારથી જ ભારેલા અગ્નિ જેવી સ્થિતિમાં જોવા મળ્યું છે. રતનાલ બાયપાસ હાઈવે પર સ્થાનિક ગ્રામજનોએ એકઠા થઈને 'ચક્કાજામ' કરી દીધો હતો. રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવતા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. લોકોનો આક્રોશ એટલા માટે વાજબી છે કારણ કે આ હાઈવે હવે 'મોતનો માર્ગ' બની રહ્યો છે. છેલ્લા માત્ર ચાર જ દિવસમાં અહીં સર્જાયેલા જુદા-જુદા અકસ્માતોમાં ત્રણ માસૂમ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે રોષ વ્યાપી ગયો છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે રતનાલ પાસે ટ્રાફિક અને અકસ્માત નિવારવા માટે 'અંડરપાસ' બનાવવો ખૂબ જ જરૂરી છે. આ માટે વર્ષ 2024માં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી વાસણભાઈ આહીર દ્વારા કેન્દ્રીય માર્ગ અને મકાન વિભાગના મંત્રી નીતિનભાઈ ગડકરીને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. આ રજૂઆતને બે વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી અંડરપાસનું કામ શરૂ થયું નથી.
જો સમયસર અંડરપાસ બની ગયો હોત, તો આજે અમારા ભાઈ-ભાંડુઓએ જીવ ન ગુમાવવો પડ્યો હોત. જ્યાં સુધી સરકાર અંડરપાસનું નક્કર આશ્વાસન કે કામ શરૂ નહીં કરે, ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
