<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

દારૂ પી ખેલ કરતા પુત્રને માતા-પિતાએ એસીડ પીવડાવી ટુંપો આપી પતાવી દિધો'તોઃ ગોંડલના ગુંદાળાની ઘટના

રામભાઇ બાંભવા રે.ગુંદાળા એસીડ પી આપઘાત કર્યાની ઘટનામાં નવો ઘટસ્‍ફોટઃ મૃતકની પત્‍નીએ સાસુ-સસરા સામે ફરીયાદ નોંધાવીઃ ગોંડલ પંથકમાં ચકચાર પુત્રને મોતને ઘાટ ઉતારનાર પિતા બાબુભાઇ ઉર્ફે અતુલભાઇ બાંભવા તથા માતા મનીષાબેન બાંભવાની ધરપકડ

તસ્‍વીરમાં પુત્રને પતાવી દેનાર માતા-પિતા નજરે પડે છે.(૨.૧૩)

રાજકોટ તા.૩: ગોંડલના ગુંદાળા ગામે રહેતા રામભાઇ બાબુભાઇ બાંભવા (ઉ.વ.રર)એ એસીડ પી આપઘાત કર્યાની ઘટનામાં નવો ઘટસ્‍ફોટ થયો છે. મૃતક યુવાન અવાર-નવાર દારૂ પી ખેલ કરતો હોય કંટાળી જઇ માતા-પિતાએ એસીડ પીવડાવી ગળેટુંપો આપી પતાવી દિધાનું ખુલ્‍યુ છે. આ અંગે મૃતકની પત્‍નીએ સાસુ- સસરા સામે તાલુકા પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે ગુન્‍હો દાખલ કરી પુત્રને પતાવી દેનાર માતા-પિતાની ધરપકડ કરી છે. મળતી વિગતો મુજબ બંશીબેન રામભાઇ બાબુભાઇ ઉર્ફે અતુલભાઇ બાંભવા, ડો/ઓ મહેશભાઇ જીલ્લુભાઇ સોરીયા (ઉ.વ.૨૦) રહે.ગુંદાળાએ તેના સસરા (૧) બાબુભાઇ ઉર્ફે અતુલભાઇ ઘુઘાભાઇ બાંભવા તથા સાસુ (ર) મનીષાબેન ઉર્ફે મોતીભાઇ બાબુભાઇ ઉર્ફે અતુલભાઇ ઘુઘાભાઇ બાંભવા રે.બન્ને ગુંદાળા તા.ગોંડલ સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદી  ગઇ તા.૧/૦૭ ના રોજ તેના પપ્‍પાના ઘરે ઘોઘાવદર ગામે હતી ત્‍યારે મારા પપ્‍પાએ વાત કરેલ કે જમાઇ (રામભાઈ) એ એસીડ પી જતા મરણ ગયેલ છે જેથી આપડે ગુદાળા જવાનુ છે તેમ વાત કરી હુ તથા મારા મમ્‍મી તથા મારા પપ્‍પા તથા મારા કાકા વગેરે ગુંદાળા ગામે આવેલ હતા. અને મારા પતિની લાશનુ પી.એમ કરી ઘરે લાવેલ હોય અને અમારા સમાજના રીત રીવાજ મુજબ મારા પતિની લાશની અંતીમવીધી કરેલ અને આ બનાવ બાબતે અમે મારા સસરા તથા મોટા સસરા ઘુઘાભાઈ એ વાત કરેલ કે ગઇકાલે (તા-૩૦/૬/૨૦૨૬) ના રોજ સાંજના સાતેક વાગ્‍યા ની આસપાસ રામ દારૂ પી ઘરે આવી તમારા સસરા સાથે માથાકુટ કરતો હોય જેથી બાપ-દીકરાને માથાકુટ થતા જપાજપી થયેલ જેથી તમારી સાસુએ એસીડની બોટલ આપી પીવડાવતા તેવામાં રામ દેકારો કરતા સસરા બાબુભાઈએ રામને મોઢે ડુસ્‍સો મારતા મરણ ગયેલ તેમ વાત કરતા મારા સાસુ સસરાએ કહેલ કે જે કંઇ થયુ છે તે વાત બહાર ન જાય ...નહીતર આપડા બધાની આબરૂ જશે અને ગામમાં વાતો થશે જેથી આ વાત અહી જ ડામી દઇએ તેમ વાત કરેલ અને ત્‍યારપછી અમે મારા મમ્‍મી-પપ્‍પાને મળી આ બનાવ બાબતે વાતચીત કરી ફરીયાદ કરવાનુ નક્કી થતા ગોંડલ તાલુકા પોલીસ સ્‍ટેશન ફરીયાદ કરવા આવેલ છીએ. ગોંડલ તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે જાણવા મળેલ કે મારા પતિનુ પી.એમ. કરાવેલ જેમા પણ ડોક્‍ટર સાહેબે ગળાટુપો આપવાથી મોત થયેલનુ જણાવેલ છે મારા પતિ અવાર નવાર દારૂ પી ઘરે આવતા હોય ત્‍યારે મારા સસરા સાથે અવાર નવાર દારૂ પીવા બાબતે બંન્ને (બાપ-દિકરા) વચ્‍ચે માથાકુટ થતી હોય અને મારામારી કરતા હોય અને તા-૨૯/૦૬/૨૦૨૬ ના રોજ મારા પિતાના ઘરે મારા પતિએ દારૂ પી ખેલ કરતા તે બાબતે મારા પપ્‍પાએ મારા સસરાને વાત કરેલી હોય જેથી તા-૩૦/૦૬/૨૦૨૬ ના રોજ સાંજના આસરે સાતેક વાગ્‍યાના અરસામાં મારા પતિ તથા મારા સસરા વચ્‍ચે માથાકુટ થતા મા રા સાસુ મનીષાબેન ઉર્ફે મોતીબેન તથા મારા સસરા બાબુભાઇ ઉર્ફે અતુલભાઇ બન્નેએ મળી એસીડ આપી પીવડાવી ત થા ગળાટુપો આપી મારા પતિનુ મોત નિપજાવેલ હતું. માતા-પિતાના હાથે હત્‍યાનો ભોગ બનનાર  રામભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટો હતો અને તેણે એગ્રીકલ્‍ચરમાં ગ્રેજ્‍યુએશન કર્યુ હતું. તેના પિતા બાબુભાઇને ચાની હોટેલ હોઇ રામભાઇ ત્‍યાં ક્‍યારેક બેસતો હતો. મૃત્‍યુ પામનાર રામભાઇના ચાર મહિના પહેલા ઘોઘાવદરની બંસીબેન સાથે લગ્ન થયા હતાં. બનાવ વખતે બંસીબેન માવતરે આટો મારવા ગયા હતાં.

 ગોંડલ તાલુકા પોલીસે આ ફરીયાદ અન્‍વયે હત્‍યાનો ગુન્‍હો દાખલ કરી પુત્રને મોતને ઘાટ ઉતારનાર પિતા બાબુભાઇ ઉર્ફે અતુલભાઇ ઘુઘાભાઇ બાંભવા તથા માતા મનીષાબેન ઉર્ફે મોતીબેન બાંભવાની ધરપકડ કરી હતી. વધુ તપાસ પીઆઇ તાલુકાના પી. આઇ. ડામોર ચલાવી રહ્યા છે. આ બનાવે ગોંડલ પંથકમાં ભારે ચકચાર જગાડી છે.

(2:21 PM IST)