<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

પોરબંદર જિલ્લાની તમામ હોટલો અને ધર્મશાળાઓમાં મુસાફરોની વિગતો નોંધવા ‘પથિક'સોફટવેર ફરજીયાત

તહેવારોમાં કાયદો વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે જિલ્લા મેજીસ્‍ટ્રેટનું જાહેરનામું પ્રસિધ્‍ધ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૩:  જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા ‘પથિક' સોફ્‌ટવેર ફરજિયાત બનાવતું અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટનું જાહેરનામું પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યું છે. જિલ્લાની  તમામ હોટલ-ધર્મશાળા માટે ‘પથીક' સોફ્‌ટવેરમાં મુસાફરોની વિગતો નોંધાવવી ફરજિયાત છે.

જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતી જળવાઇ રહે તે સારૂ સાવચેતીના પગલા રૂપે  જિલ્લા મેજિસ્‍ટ્રેટ એ.ડી. મિયાત્રા દ્વારા ભારતીય સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્‍વયે  જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્‍યું છે. આ જાહેરનામા અનુસાર પોરબંદર જીલ્લાના શહેરી તથા ગ્રામ્‍ય વિસ્‍તારના તમામ હોટલ, ગેસ્‍ટહાઉસ, મુસાફરખાના, ધર્મશાળાના માલિકે ગ્રાહકની રજીસ્‍ટર એન્‍ટ્રીની સાથે દરેક હોટલ, ગેસ્‍ટહાઉસ, મુસાફરખાના, ધર્મશાળા ખાતે પોતાના રીસેપ્‍શન કાઉન્‍ટર ઉપર ઇન્‍ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્‍પ્‍યુટર રાખવું. જેમાં અમદાવાદ પોલીસ ધ્‍વારા તૈયાર કરવામાં આવેલ ‘પથિક' “Pathik Programme for Analysis of Travellers and Hotel Informatics” સોફ્‌ટવેર  ઇન્‍સ્‍ટોલ કરાવી, રજીસ્‍ટરમાં થતી એન્‍ટ્રી આ સોફટવેરમાં પણ કરવાની રહેશે.

પોરબંદર જિલ્લાની તમામ હોટલ, ગેસ્‍ટહાઉસ, મુસાફરખાના, ધર્મશાળા ખાતે પ્રાંત, રાજય, દેશ, વિદેશથી આવતા તમામ મુસાફરોની વિગતો “Pathik Programme for Analysis of Travellers and Hotel Informatics” સોફટવેરમાં હોટલ, ગેસ્‍ટહાઉસ, મુસાફરખાના, ધર્મશાળાના માલિક, સંચાલકે અવશ્‍ય કરવી.

આ જાહેરનામું પ્રસિધ્‍ધ થયે સોફટવેરમાં ડેટા એન્‍ટ્રી કરવા માટે એસ.ઓ.જી. શાખા (HMP કોલોની, બંગલા નં.૦૩) પોરબંદર ખાતેથી હોટલ, ગેસ્‍ટહાઉસ, મુસાફરખાના, ધર્મશાળાના માલિક, સંચાલકએ હોટલ, ગેસ્‍ટહાઉસ, મુસાફરખાના, ધર્મશાળાની વિગતો રજુ કરી યુઝર આઇડી-પાસવર્ડ તાત્‍કાલિક મેળવી લેવાના રહેશે તેમ જાહેરનામામાં જણાવ્‍યું છે.

(11:52 AM IST)